હાફ મેરેથોનમાં સ્ટ્રોક બાદ અડધું માથું કાપવું પડ્યું, હવે ફરી દોડવાની તૈયારી

લિડ્સઃ હાફ મેરેથોન દરમિયાન આવેલા સ્ટ્રોક બાદ જે દોડવીરનું અડધું માથું કાપી નાખવું પડ્યું હતું તે હવે ફરીથી દોડવા માટેની તૈયારી કરી રહ્યો છે. ૨૧ વર્ષીય વિદ્યાર્થી એલેક્સ વેલેન્ટાઇન ગત વર્ષે લિડ્સ હાફ મેરેથોનમાં ૧૦ માઇલ દોડ્યા બાદ અચાનક ઢળી પડ્યો હતો અને શરીરના ડાબા હિસ્સાએ કામ કરવાનું બંધ કરી દીધું હતું.

એલેક્સને તરત જ હોસ્પિટલે લઈ જવાયો, જ્યાં ડોક્ટર્સે એલેક્સની ખોપરીનો એક હિસ્સો કાપી નાખવો પડ્યો, કારણ કે સોઝાને કારણે મગજ પર વધુ દબાણ ના આવે. આ મોટા ઓપરેશન બાદ તેને બાળકોની જેમ પાયાની વાતો શીખવી પડી, જેમ કે બોલવું અને બાથરૂમનો ઉપયોગ કેવી રીતે કરવો વગેરે… હવે એક વર્ષ પછી તે વ્હિલચેર છોડીને ઘોડીના સહારે ચાલી શકે છે. એલેક્સે ફરીથી શારીરિક પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.

સ્ટ્રોક આવ્યો તે પહેલાં એલેક્સ સપ્તાહમાં એક વાર ૨૦ માઇલ આસાનીથી દોડી શકતો હતો. છ મહિના સુધી એલેક્સને ડોક્ટરની નજર હેઠળ રાખવામાં આવ્યો હતો. તેને માથાની સુરક્ષા માટે હેલ્મેટ પહેરાવી રાખવામાં આવતી હતી. એલેક્સે કહ્યું, ”જે કંઈ થયું તે અંગે મને બહુ યાદ નથી. પહેલાં ૧૦ માઇલ સુધી મને થોડો થાક લાગી રહ્યો હતો, પરંતુ મેં દોડવાનું ચાલુ રાખ્યું હતું. ત્યાર બાદ મારા અડધા શરીરને મગજ તરફથી સંકેત મળવાના બંધ થઈ ગયા. એ મારા માટે આશ્ચર્યચકિત કરનારી વાત હતી. હવે હું સંપૂર્ણ ફિટનેસ હાંસલ કરવા ઇચ્છું છું. હું રોજ પ્રેક્ટિસ કરું છું, પરંતુ મારું લક્ષ્ય ફરીથી દોડવાનું છે. હું ફરીથી દોડવા માટે ડરતો નથી. મને નથી લાગતું કે ફરી દોડવાથી સ્ટ્રોક આવવાની શક્યતાઓ વધી જશે.”

You might also like