કઠુઆમાં ત્રણ યુવાન તવેરા લઈને ફરાર થઈ જતાં એલર્ટ

જમ્મુ: જમ્મુના કઠુઆમાં ગઈ કાલે રાતે ત્રણ યુવાન ભાડે કરેલી તવેરાના ડ્રાઈવરને બાંધી દઈને તેની પાસે રહેલા પૈસા, મોબાઈલ ફોન સહિત ગાડી લઈને ફરાર થઈ જતા આ વિસ્તારમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. અને ફરાર આરોપીઓની તપાસ હાથ ધરાઈ છે.  કઠુઆ જિલ્લામાં ગઈ કાલે રાતે બે વાગે ત્રણ યુવાનોએ જમ્મુના બસ સ્ટેશન પરથી એક તવેરા ગાડી ભાડે કરી હતી. ત્યારે કાર ચાલક આ યુવાનોને લઈને સાંબાથી ચડવાલ તરફ જઈ રહ્યો હતો ત્યારે આ યુવકોએ કાર ચાલક કબીર હુસેનને બાંધી દીધો હતો અને બાદમાં તેની પાસે રહેલા પૈસા અને મોબાઈલ ફોન છીનવીને ગાડી લઈને ફરાર થઈ ગયા હતા. આ અંગે કારચાલકની પૂછપરછ કરવામાં આવતાં તેણે આ યુવાનો સરહદી વિસ્તાર તરફ ફરાર થઈ ગયા હોવાનું જણાવ્યુ હતુ.

પોલીસે આ માહિતીના આધારે કઠુઆ અને આસપાસના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરી દઈ ફરાર યુવાનોને પકડવા તપાસ હાથ ધરી છે. હાલ આ વિસ્તારમાંથી પસાર થતાં તમામ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. જાણકારી મુજબ આ યુવાનો રાજૌરીના રહીશ હોવાનું માનવામાં આવે છે. કારણકે તેઓ સ્થાનિક ભાષામાં વાત કરતા હતા. તેમજ તેમની પાસે કોઈ સામાન કે હથિયાર જોવા મળ્યા ન હતા. જોકે તેમ છતાં પોલીસ આ મામલે સખ્તાઈ અપનાવી તપાસ અભિયાન ચલાવી રહી છે. દરમિયાન ગત સપ્તાહમાં એલઓસી નજીકના જમ્મુ-કાશ્મીરના કૂપવાડામાં સેનાના આર્ટીલરી કેમ્પ પર થયેલા આંતકી હુમલામાં એક કેપ્ટન સહિત ત્રણ જવાન શહીદ થયા હતા. ત્યાર બાદ રાજ્યમાં સુરક્ષા દળોએ કેમ્પની સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે.

http://sambhaavnews.com/

You might also like