એલેડ કેરીએ એક જ ઓવરમાં છ વિકેટ ઝડપી ઇતિહાસ સર્જ્યો

સિડનીઃ ક્રિકેટમાં ઘણા રેકોર્ડ બને છે તો ઘણા તૂટતા પણ રહે છે, પરંતુ એક એવો રેકોર્ડ બન્યો છે, જેને તોડવા માટે દરેક બોલર સપનું જુએ છે. એક યુવા બોલરે છ બોલમાં છ વિકેટ ઝડપીને ઇતિહાસ સર્જી દીધો. આ સિદ્ધિ ઓસ્ટ્રેલિયાની ડોમેસ્ટિક ટૂર્નામેન્ટમાં ગોલ્ડન પોઇન્ટ ક્રિકેટ ક્લબના ખેલાડી એલેડ કેરીએ હાંસલ કરી છે. ૨૯ વર્ષીય એલેડે એક જ ઓવરમાં બે હેટ્રિક ઝડપી, એટલે કે એક જ ઓવરના છ બોલમાં છ વિકેટ ઝડપીને ક્રિકેટ વિશ્વને ચોંકાવી દીધું. સૌથી ખાસ વાત તો એ છે કે કેરી પોતાના ક્વોટાની આઠ ઓવર સુધી એક પણ વિકેટ ઝડપી શક્યો નહોતો, ત્યાર બાદ નવમી ઓવરના દરેક બોલ પર વિકેટ ઝડપીને તેણે આ અનોખો રેકોર્ડ બનાવી દીધો.

કેરીએ પોતાની ઓવરના પહેલા અને બીજા બોલ પર બેટ્સમેનને સ્લિપ અને વિકેટકીપર દ્વારા કેચઆઉટ કરાવ્યા. ત્યાર બાદ ત્રીજી વિકેટ તેણે એલબીડબલ્યુ તરીકે ઝડપી. ત્યાર પછીના ત્રણ બેટ્સમેનને તેણે ક્લીન બોલ્ડ આઉટ કરી દીધા. તેના આ શાનદાર પ્રદર્શનને કારણે ગોલ્ડન પોઇન્ટ ક્રિકેટ ક્લબ, ઓસ્ટ્રેલિયાએ ઈસ્ટ બલ્લારટ વિરુદ્ધ ઐતિહાસિક જીત હાંસલ કરી હતી. બલ્લારટ ટીમ ફક્ત ૪૦ રન જ બનાવી શકી.

પોતાના રેકોર્ડ અંગે એલેડ કેરીએ કહ્યું, ”હું આ શાનદાર રેકોર્ડ બનાવીને બહુ જ ખુશ છું. મારા માટે આ બહુ જ મોટી વાત છે કે એક જ ઓવરમાં મેં બે હેટ્રિક બનાવી. સૌથી મોટી વાત એ છે કે મેં આ શાનદાર રેકોર્ડ મારા પિતાની હાજરીમાં બનાવ્યો.” બીજી તરફ ગોલ્ડન પોઇન્ટ ક્રિકેટ ક્લબે કહ્યું એલેડ કેરીએ જે કર્યું એ પ્રશંસાને પાત્ર છે. તે અમારી ટીમનો સૌથી મોટો ખેલાડી છે.

ઉલ્લેખનીય છે કે ભારતના યુવરાજસિંહ, રવિ શાસ્ત્રી, ગેરી સોબર્સ, એલેક્સ હેલ્સ અને હર્શલ ગિબ્સ એક સમયે એક ઓવરમાં છ છગ્ગા ફટકારી ચૂક્યા છે, પરંતુ બોલિંગ કરતા એક જ ઓવરના બધા છ બોલ પર છ વિકેટ ઝડપવાની ઉપલબ્ધિ સૌ પ્રથમ વાર એલેડ કેરીએ હાંસલ કરી છે.
http://sambhaavnews.com/

You might also like