દારૂ ભરેલી કાર પલટી ખાઈ જતાં લોકોએ દારૂની લૂંટ ચલાવી

અમદાવાદ: રાજસ્થાનથી વિદેશી દારૂનો જથ્થો ભરી અમદાવાદ અાવી રહેલી એક કાર હિંમતનગર-અમદાવાદ હાઈવે પર ગામડી ગામના પાટિયા પાસે પલટી ખાઈ જતાં દારૂની રેલમછેલ થઈ હતી અને લોકોનાં ટોળાંએ વિદેશી દારૂની બોટલોની લૂંટ ચલાવી હતી.

અા અંગેની વિગત એવી છે કે અમદાવાદના મણિનગર વિસ્તારમાં અાવેલી પાયલ સોસાયટીમાં રહેતો સુરેન્દ્રસિંહ રામલખણસિંહ ભદોરિયા નામનો શખસ રાજસ્થાનથી વિદેશી દારૂ ભરી અમદાવાદ તરફ અાવી રહ્યો હતો ત્યારે હિંમતનગર-અમદાવાદ હાઈવે પર ગામડી ગામના પાટિયા પાસે નાળા નજીક કાર પલટી ખાઈ ગઈ હતી.

કારચાલક સુરેન્દ્રસિંહને ઈજા પહોંચતાં તેને હિંમતનગરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં અાવ્યો હતો.  જ્યારે બીજી તરફ દારૂ ભરેલી કાર પલટી ખાઈ ગઈ હોવાની જાણ થતાં જ અાજુબાજુના રહીશો દોડી અાવી વિદેશી દારૂની બોટલોની લૂંટ ચલાવી હતી. પોલીસે તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી જઈ વિદેશી દારૂનો જથ્થો અને કાર કબજે લઈ અા અંગે ગુનો દાખલ કર્યો હતો અને અાગળની કાર્યવાહી શરૂ કરી હતી.

You might also like