અલ કાયદાનો આતંકી ઝાકીર મુસા પંજાબમાં શીખના સ્વાંગમાં દેખાયો

નવી દિલ્હી: પંજાબને ઘમરોળવા માટે આતંકીઓના સરદાર ઝાકીર મુસા અંગે એક મોટા ઇનપુટ્સ સુરક્ષા એજન્સીઓને હાથ લાગ્યા છે. પંજાબમાં ફરી એક વખત મોસ્ટ વોન્ટેડ અને અલ કાયદાનો આતંકી ઝાકીર મુસા પંજાબમાં છુપાયો હોવાના સમાચાર મળી રહ્યા છે.

પંજાબના ફિરોઝપુર-ભટીંડામાં ઝાકીર મુસા શીખના સ્વાંગમાં દેખાયો છે. જેની તસવીર પણ જાહેર કરવામાં આવી છે. આઇબી, સીઆઇડી અને આર્મી ઇન્ટેલિજન્સે ઇનપુટ્સ જારી કર્યા છે. આમ તો ઝાકીર મુસા છેલ્લા કેટલાક દિવસથી પંજાબમાં છુપાયો હોવાના સમાચારને કારણે સુરક્ષા એજન્સીઓને એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ એવા ઇનપુટસ મળ્યા હતા કે અલ કાયદાનો કમાન્ડર ઝાકીર મુસા પોતાના સાત સાગરીતો સાથે પંજાબમાં ઘૂૂૂસી ગયો છે. હજુ થોડા દિવસ પહેલાં જ તે પોતાના સાગરીતો સાથે અમૃતસરમાં દેખાયો હતો. આજ કારણસર પંજાબ પોલીસ કેટલાય ડ્રગ્સ સ્મગલરોના ઘર પર દરોડા પાડી રહી છે કેે જેથી તેમની આતંકીઓ સાથેની સાઠગાંઠ બહાર આવી શકે. કારણ કે સરહદની પેલે પારથી શસ્ત્રો અને નશીલા પદાર્થોની ગેરકાયદે દાણચોરીમાં પણ ઝાકીર મુસા સંડોવાયેલો છે.

મળતી માહિતી અનુસાર ઝાકીર મુસા આ વખતે ભટીંડામાં શીખના વેશમાં ઘૂમતો જોવા મળ્યો હતો. ત્યાર બાદ સેનાને એલર્ટ કરાઇ હતી. આસપાસના વિસ્તારોમાં પણ હાઇ એલર્ટ જારી કરાયું છે. આર્મીએ ભ‌ટીંડા રેલવે સ્ટેશન પર પણ મોરચો સંભાળી લીધો છે. આ ઉપરાંત રાજસ્થાન સાથે જોડાયેલી સરહદને પણ પંજાબે સીલ કરી દીધી છે.

અહેવાલો અનુસાર ઝાકીર મુસા આજકાલ પંજાબમાં હજુ પણ કયાંક છુપાયો છે. તેણે પોતાના વાળ વધારી દીધા છે અને શીખના સ્વાંગમાં તેનો ફોટો વાઇરલ થયો છે. શીખની પાઘડી સાથે દાઢી પણ વધારી દીધી છે.

ભટીંડા એસએસપી નાનકસિંહે જણાવ્યું કે ઇન્ટેલિજન્સ તરફથી હાઇ સેન્સિટિવ ઇનપુટ્સ મળ્યા બાદ આર્મી ઓફિસરો સાથે બેઠક યોજવામાં આવી હતી અને ભટીંડા અને આસપાસના વિસ્તારોમાં કડક સુરક્ષા જાપતો ગોઠવી દેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઝાકીર મુસા બુરહાન વાનીના વિસ્તાર ત્રાલ ક્ષેત્રનો રહેવાસી છે, જેેણે ર૦૧૬માં ૮ જુલાઇના રોજ બુરહાન વાનીના મોત બાદ અલકાયદા ગ્રૂપનું નેતૃત્વ સંભાળ્યું હતું

You might also like