અક્ષયકુમાર પ્રીમિયર બેડમિંટન લીગનો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો

બોલિવૂડ સ્ટાર ‘મિસ્ટર ખિલાડી’ એટલે કે અક્ષયકુમાર આગામી બીજી જાન્યુઆરીથી શરૂ થઇ રહેલી પ્રીમિયર બેડમિંટન લીગ(પીબીએલ)નો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો છે.

લીગે આ અંગે ઘોષણા કરતાં જણાવ્યું હતું કે, રમત પ્રેમીના રૂપમાં જાણીતા બોલિવૂડના ફેમસ એક્ટર અક્ષયકુમારને અમે ટૂર્નામેન્ટનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે. પોતાની ફિટનેસ માટે જાણીતો અક્કી સોશિયલ મીડિયા, ટ્વિટર અને બ્લોગ દ્વારા લીગના પ્રશંસકોને પીબીએલ વિશે જાણકારી આપતો જોવા મળશે.

ભારતીય બેડમિંટન સંઘના અધ્યક્ષ અને પીબીએલ ચેરમેન અખિલેશ દાસ ગુપ્તાએ કહ્યું હતું કે, લીગ સાથે જોડાવા બદલ અમે અક્ષયકુમારનું સ્વાગત કરીએ છીએ. અમારું એવું માનવું છે કે, અક્ષય આ લીગ સાથે જોડાતા હવે તે વધારે રસપ્રદ બની રહેશે. તેમની હાજરી માત્ર રમત પ્રેમીઓને જ નહીં પરંતુ ખેલાડીઓને પણ પ્રોત્સાહન પુરુ પાડશે.

આ અંગે અક્ષયકુમારે કહ્યું હતું કે, હું હંમેશા રમતો સાથે જોડાવા માટે વિચારતો હતો અને મારું એવું માનવું છે કે, લીગ મને પોતાનો સહયોગ આપવા માટે સારું પ્લેટફોર્મ આપશે. લીગમાં સામેલ થનારા તમામ યુવા બેડમિંટન ખેલાડીઓને મળવા માટે હું ઉત્સાહીત છું. મારા માટે તો તેઓ જ સાચા બ્રાન્ડ એમ્બેસેડર છે.

You might also like