ખેલાડી અને અભિનેતા એક સમાન: અક્ષય

અક્ષય કુમાર એક તરફ ‘ગબ્બર’ અને ‘એરલિફ્ટ’ જેવી ફિલ્મો કરીને પોતાની કરિયરને એક નવી દિશા અાપી રહ્યો છે તો બીજી તરફ કોમેડી ફિલ્મોમાં તેનો સિલસિલો ચાલુ છે. તાજેતરમાં તેની ‘હાઉસફૂલ-૩’ ફિલ્મ રિલીઝ થઈ. ‘હાઉસફૂલ’ સિરીઝની અા ફિલ્મ લોકોઅે વખાણી. બોલિવૂડના ખેલાડી અક્ષય કુમારની ઘણી ફિલ્મોનું ટાઈટલ ખેલાડીથી શરૂ થાય છે. તેના પરથી અે વાત નક્કી છે કે તેને રમતગમતનો શોખ હશે. તે કહે છે કે હા, અે વાત સાચી છે કે મને રમતગમત પસંદ છે. ફક્ત મને નહીં, પરંતુ દરેક વ્યક્તિને રમત ગમતી હોય છે, જોકે રમતને લઈને લોકોની પસંદ અલગ હોય છે. કોઈને કબડ્ડી ગમે છે તો કોઈને કુસ્તી. કોઈને ક્રિકેટ ગમે છે તો કોઈને ફૂટબોલ, પરંતુ દરેક રમતની પાછળ એક જ અર્થ છે તમારું સ્વાસ્થ્ય.

રમતગમતથી તમારું સ્વાસ્થ્ય સારું થાય છે. તે તમને ફિટ બનાવે છે. અક્ષય કુમાર કહે છે કે હું અનુકૂળ હોય તેવી રમત રમવાનું પસંદ કરું છું. અામ તો મને દરેક પ્રકારની રમત ગમે છે અને હું દરેક રમત રમવા ઇચ્છું છું. એક અભિનેતા અને અેક ખેલાડીમાં શું સમાનતા છે તે અંગે વાત કરતાં અક્ષય કહે છે કે મારા મત મુજબ એક અભિનેતા અને એક ખેલાડીમાં લગભગ એક જેવી સમાનતા હોય છે. જે રીતે એક અભિનેતાના ફેન હોય છે તે જ રીતે એક ખેલાડીના પણ પ્રશંસકો હોય છે. જેવી રીતે અભિનેતા પોતાના પ્રશંસકો માટે ફિલ્મ કરે છે તેવી જ રીતે ખેલાડી પણ પોતાના દેશ અને દેશને ચાહતા લોકો માટે રમે છે. અા રીતે બંને પર સરખી જવાબદારી હોય છે. •

You might also like