અક્ષયકુમારે ફિલ્મોમાં કામ કરવાની રીતને લઇને આપ્યું આ નિવેદન…

અક્ષયકુમાર ઓછા બજેટ અને નિર્ધારિત સમયમાં અજાણી અભિનેત્રીઓ સાથે કામ કરતાં કરતાં જબરદસ્ત સફળતા મેળવી રહ્યો છે. જો કંગના રાણાવતને મોટા અભિનેતાઓની જરૂર નથી તો અક્ષયકુમારને પણ મોટી અભિનેત્રીઓની જરૂર નથી. મોટા ભાગે મોટા હીરો જાણીતી અને ગ્લેમરસ અભિનેત્રી ઇચ્છતા હોય છે, જેથી તેમના ફેન્સ ફિલ્મ જોવા જાય અને ફિલ્મ હિટ થાય.

‘પેડમેન’ બાદ અક્ષયની આગામી ફિલ્મ ‘૨.૦’ એપ્રિલમાં રિલીઝ થશે. અક્ષયકુમાર આ ફિલ્મમાં વિલનના રોલમાં છે. અક્ષયકુમાર કહે છે કે દરેક ફિલ્મમાં એન્ટરટેઇન્મેન્ટની સાથે કોઇ સોશિયલ મેસેજ પણ હોય તો સારું કહેવાય. સિનેમાને હું એક માધ્યમ માનું છું, જેના દ્વારા અમે અમારી કોઇ પણ વાત લોકોના દિલ સુધી પહોંચાડી શકીએ છીએ. મને લાગે છે કે હું કાંઇ પણ અલગ કરતો નથી. માત્ર વાત એટલી જ છે કે મારી પાસે મારી વાત રજૂ કરવાનું એક માધ્યમ છે અને હું તેનો ફાયદો ઉઠાવી રહ્યો છું.

બીજા અભિનેતાઓ જ્યારે બે-બે શિફ્ટમાં કામ કરે છે તેવા સમયે અક્ષયકુમાર એક શિફ્ટથી વધુ કામ કરતો નથી. તેમ છતાં પણ તેની ફિલ્મો ટૂંકા સમયમાં પૂર્ણ થઇ જાય છે. તે કહે છે કે મારી કામ કરવાની રીત થોડી અલગ છે. મેં ખુદને એ કોર્નરમાં ફિટ કરી રાખ્યો છે, જે મને મળ્યો છે. હું અભિનેતા છું અને મારે કેમેરા સામે રહેવાનું હોય છે. એક સમય બાદ ચહેરાની ફ્રેશનેસ ચાલી જાય છે. હું દિવસમાં આઠ કલાકથી વધુ કામ કરતો નથી. બાકીનો સમય ખુદને એનર્જેટિક બનાવવામાં વાપરું છું.•

You might also like