મૃતકોના પરિવારજનોનાં આંસુ સારવા આજદિન સુધી કોઈ ત્યાં ગયું નથી

અક્ષરધામ હુમલાની માહિતી માટે આરટીઆઈકર્તા ભરતસિંહ ઝાલા સાથેની વાતચીતના કેટલાક અંશઃ
અભિયાનઃ અક્ષરધામ હુમલામાં મૃતકોના પરિવારજનોને સહાયની માહિતીની આરટીઆઈ કરવાનું તમને કેમ સૂઝ્યું?
ભરતસિંહ ઝાલાઃ ૨૪ સપ્ટેમ્બરે આ હુમલામાં મારી સાથે રિલાયન્સમાં નોકરી કરતા મારા સાથીદાર બકાભાઈએ અને તેમનાં ભાણી અને દીકરાને નજરે જોયાં હતાં. એ છોકરાઓ આજે પણ રાતે ફફડે છે, સૂઈ શકતાં નથી. પીડિતોને સરકાર તરફથી વધુ સહાય મળે એ માટે આપદાની સ્થિતિમાં લડવાની અમારી નેમ રહી છે. ભૂકંપ અને ગોધરાકાંડમાં પણ નિષ્પક્ષ રહી લોકોને સહાય મળે એ માટે પ્રયત્નો કરેલા. મૃતકોના પરિવારને મળેલી સહાય જાણવા મેં અરજી કરી હતી.

તમે સુપ્રીમમાં નિર્દોષ છૂટી ગયેલા આરોપીઓ પાસે વળતરની માહિતી કેમ માગી?
પોટા હેઠળ પકડાયેલા ૩૩ લોકોના પરિવારને જાણવાનો પ્રયત્ન કરતો હતો ત્યારે અક્ષરધામ હુમલાના એક આરોપીના પિતા અહમદ હુસૈન ચાચાને મળવાનું થયું. તેઓ દરિયાપુરમાં નાનકડી દુકાનમાં મોટર રિવાઇન્ડિંગનું કામ કરતા હતા. એમણે મને કહ્યું કે ‘મારો દીકરો રિક્ષા ચલાવે છે અને એણે જીવનમાં કદી ગાંધીનગર જોયું નથી. મારા દીકરાને એમ કહીને પકડી ગયા કે તે આતંકવાદીઓને રિક્ષામાં ગાંધીનગર મૂકી ગયો હતો. દીકરાને પોલીસ આતંકવાદી ગણીને પકડી ગઈ એ પીડામાં આખરે ચાચાને એટેક આવ્યો અને મૃત્યુ પામ્યા. બે વરસ પછી સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો અને તેમાં બધાને કોર્ટે નિર્દોષ છોડી મૂક્યા ત્યારે મને સત્ય જાણવાની તાલાવેલી જાગી.

માહિતી મેળવવા બે વર્ષની તમારી સફરમાં કેવાં કષ્ટ સહેવાં પડ્યાં?
આમાં કોઈ મારા ઓળખીતા કે સગાં નથી કે વ્યક્તિગત સ્વાર્થ નથી. આ જનતાના હિતની માહિતી છે. આરટીઆઈ કર્યા પછી ૩૦ દિવસ સુધી જવાબની રાહમાં જ મગજ અટકેલું રહે. ૩૦ દિવસ સુધી માહિતી ન મળે એટલે અપીલ કરવાની. અપીલમાં બોલાવે કે ન બોલાવે તેની ચિંતા. હું બહારગામ હોઉં તો ચિંતા થાય કે અપીલમાં હાજર રહેવાનો પત્ર ઘરે આવી ગયો હશે અને હું અપીલમાં હાજર નહી રહું તો મારી અરજી કાઢી નાખશે. બે વખત રાજ્ય માહિતી આયોગમાં જવું પડ્યું. હાઇકોર્ટમાં જવું પડ્યું. આખરે જુલાઈ ૨૦૧૬માં સુનાવણી થઈ અને મને અસ્પષ્ટ જવાબ મળ્યો. મારી પીડાને જવા દો, મને તો હતું કે જેમણે આતંકવાદીઓની ગોળીઓ ખાઈને જીવ ગુમાવ્યા એમના પરિવારને મળીને તેમની સ્થિતિ જાણીશ અને સમાજ સમક્ષ મૂકીશ. મારું કષ્ટ જેમ વધ્યું એમ મારો લડવાનો જુસ્સો પણ વધતો ગયો છે.

સમગ્ર ઘટનાક્રમમાં તમને સૌથી દુઃખદાયક વાત કઈ લાગી?
આ ઘટનામાં ન્યાયપ્રક્રિયા, અમલદારશાહી, નેતાગીરી અને સાથે સાધુઓની ભૂમિકાનો પણ ઉઘાડ થાય છે. સિયારામ મય જોરી જુગ પાની… ચોપાઈ ગાનારા, રોજ પ્રભુનાં ચરણ પખાળવાવાળા આ મુદ્દે કદી બે શબ્દો પણ બોલ્યા નથી. દ્રૌપદીના ચીરહરણ વખતે સૌ ચૂપ હતા એમ અક્ષરધામ હુમલામાં ઘાણીફૂટ ગોળીઓમાં આટલા બધા વીંધાયા છતાં તેની ફેરતપાસ માટે કોઈ કશું બોલતું નથી. મૃતકોના પરિવારજનોનાં આંસુ સારવા ૨૪ સપ્ટેમ્બર પછી આજદિન સુધી કોઈ ત્યાં ગયું નથી. આ બહુ દુઃખની વાત કહેવાય.

You might also like