‘અકરમ સ્વિંગ બોલિંગનો રાજા નથી, તે સટ્ટાનો બાદશાહ છે’

કરાચી: એશિયા કપમાં રાષ્ટ્રની ટીમના નબળા દેખાવમાં તપાસ કરવા રચાયેલી સમિતિ બાબતે પીસીબીના નિર્ણયની વસિમ અકરમે કરેલી ટીકાથી ગુસ્સે ભરાઈ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધિકારી શકિલ શેખે મહાન ફાસ્ટ બોલર અકરમની મેચ ફિક્સિંગમાં કહેવાતી સંડોવણી સંબંધી જૂની વિગતો ફરી પ્રકાશમાં લાવવાની ધમકી આપી છે. પીસીબીની તપાસ સમિતિના વડા શેખે એક ટેલિવિઝન ચેનલને કહ્યું હતું “અકરમ સ્વિંગ બોલિંગનો રાજા નથી, મારું માનવું છે કે તે સટ્ટાનો બાદશાહ છે. અકરમે કોઈની ટીકા કરતાં પહેલાં વિચારવું જોઈએ, કારણ કે તેનો ભૂતકાળ બધા જાણે છે અને ક્રિકેટ બોર્ડમાં તેની જૂની વિગતોને ફરી પ્રકાશમાં લાવી શકાય તેમ છે.”

વર્ષ ૨૦૦૦માં ન્યાયાધીશ મલિક કય્યમના મેચ ફિક્સિંગના કૌભાંડમાં કરાયેલી તપાસની જૂની વિગતોને ફરી જાહેરમાં લાવવાની ઇસ્લામાબાદ ક્રિકેટ એસોસિયેશનના વડા શેખે ધમકી આપી છે. અકરમે તાજેતરમાં પત્રકાર પરિષદને સંબોધતા કરેલી ટીકાથી શેખ નાખુશ હતા, જેમાં અકરમે ટી-૨૦ વર્લ્ડકપ પહેલાં એશિયા કપ સ્પર્ધામાં ટીમના કંગાળ દેખાવમાં તપાસ કરવા રચાયેલી સમિતિ અંગે ક્રિકેટ બોર્ડના નિર્ણય પર સવાલ કર્યો હતો.

અકરમે રાષ્ટ્રીય સર્કિટના ક્રિકેટનાં માળખાં અંગે પણ અફસોસ વ્યક્ત કરતા ટકોર કરી હતી કે તેની સમિતિના વડા શેખે તેમના જીવનમાં ક્રિકેટ બેટ બરાબર પકડ્યું પણ નથી. જોકે શેખે એવો દાવો કર્યો હતો કે તેઓ ઘણું ક્રિકેટ રમ્યા છે અને એક વેળા તેઓએ ઈસ્લામાબાદ ખાતે એક મેચમાં અકરમને બે છગ્ગા પણ ફટકાર્યા હતા.

શેખે એવો પણ આક્ષેપ કર્યો હતો કે અકરમે તેના માર્ગદર્શક અને ભૂતપૂર્વ કેપ્ટન ઈમરાન ખાનનો આઈપીએલમાં કોચનો હોદ્દો મેળવવા માટે ઉપયોગ કર્યો હતો.

You might also like