રૂ. ૨૦ કરોડ વહેંચવા માટે અખિલેશ સરકારે ૧૫ કરોડનો ખર્ચ કર્યોઃ કેગ

લખનૌ: ઉત્તર પ્રદેશની અખિલેશ યાદવ સરકારે વર્ષ ૨૦૧૨ અને ૨૦૧૩માં બેરોજગારી ભથ્થા પેટે રૂ. ૨૦.૫૮ કરોડનું વિતરણ કરવાના કાર્યક્રમના આયોજન પાછળ રૂ. ૧૫.૦૬ કરોડનો ખર્ચ કર્યો હતો. આમ, ૨૦ કરોડ વહેંચવા માટે અખિલેશ યાદવ સરકારે રૂ. ૧૫ કરોડનો ખર્ચ કર્યો હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ ઉત્તર પ્રદેશ વિધાનસભામાં રજૂ કરવામાં આવેલ કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયાના (કેગ) ‘જનરલ એન્ડ સોશિયલ સેક્ટર’ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.

કેગ રિપોર્ટ અનુસાર શ્રમ વિભાગે ૨૦૧૨-૧૩ના વર્ષ દરમિયાન ૧,૨૬,૫૨૧ બેરોજગારોને પ્રોગ્રામ યોજીને ચેક મારફતે રૂ. ૨૦.૫૮ કરોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આવા પ્રોગ્રામ ૬૯ જિલ્લામાં યોજવામાં આવ્યા હતા. તેની શરૂઆત સપ્ટેમ્બર-૨૦૧૨માં લખનૌની કાલવીન તાલુકેદાર કોલેજથી થઈ હતી, જ્યાં અખિલેશના પ્રોગ્રામમાં ૧૦,૦૦૦ લોકો એકત્ર થયા હતા અને મુલાયમસિંહની હાજરીમાં ૪૪ લોકોને બેરોજગારી ભથ્થાના ચેકનો વિતરણ કરવામાં આવ્યું હતું.

કેગ રિપોર્ટ અનુસાર અખિલેશ સરકારે વર્ષ ૨૦૧૨-૧૩માં આ કાર્યક્રમો પાછળ ખુરશીઓ, નાસ્તા-પાણી અને અન્ય આયોજનો માટે રૂ. ૮.૦૭ કરોડની જંગી રકમ ખર્ચી હતી. એ જ રીતે રૂ. ૬.૯૯ કરોડ લાભાર્થીઓને કાર્યક્રમના સ્થળે લાવવા પાછળ ખર્ચાયા હતા.

કેગ રિપોર્ટમાં એવું જણાવાયું છે કે વાસ્તવમાં બેરોજગારી ભથ્થું જે તે લાભાર્થીના બેન્ક ખાતામાં સીધું જમા કરાવી શકાયું હોત, તેના બદલે અખિલેશ સરકારે આ રકમનું વિતરણ કરવા માટે ઠેર ઠેર કાર્યક્રમો યોજીને ૧૫ કરોડનો ખર્ચ કર્યો હતો.
http://sambhaavnews.com/

You might also like