અખિલેશ યાદવના બંગલામાં તોડફોડથી 10 લાખનું નુકસાન: રિકવરી નોટિસની તૈયારીઓ

લખનૌ: લોકનિર્માણ વિભાગે ઉત્તરપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને સમાજવાદી પાર્ટી (સપા)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવના સરકારી બંગલાની તપાસનો રિપોર્ટ રાજ્યના રેવન્યૂ ડિપાર્ટમેન્ટને સોંપી દીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રેવન્યૂ ડિપાર્ટમેન્ટે આ રિપોર્ટ સીએમ યોગી આદિત્યનાથના કાર્યાલયને મોકલાવી દીધો છે.

રિપોર્ટમાં પીડબલ્યુડીના એન્જિનિયરોએ તોડફોડના કારણે અંદાજે ૧૦ લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું જણાવ્યું છે. રેવન્યૂ ડિપાર્ટમેન્ટે હવે અખિલેશ યાદવને રિકવરી નોટિસ ફટકારવાની પૂરી તૈયારી કરી લીધી છે અને આ અંગેની કાર્યવાહી ટૂંક સમયમાં હાથ ધરાશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ર૬૬ પેજના આ રિપોર્ટમાં તત્કાલીન મુખ્યપ્રધાન તરીકે અખિલેશ યાદવને મળેલા સરકારી બંગલામાં છતથી લઈને કિચન, બાથરૂમ અને લોનમાં તોડફોડ કરી હોવાનું જણાવાયું છે. કેટલીક જગ્યાએ ફોલ્સ સીલિંગ તોડીને ઈલેક્ટ્રિક ચીજવસ્તુઓ પણ કાઢી લેવામાં આવી છે. બાથરૂમના ફિટિંગ, ટાઈલ્સ, એસીનાં ‌િસ્વચબોર્ડ, કિચનમાંથી સિંક અને નળ, બાથરૂમના નળ અને લોનમાં મૂકવામાં આવેલી બેન્ચ સુધ્ધાં ઉખાડી લેવામાં આવી હતી.

આ ઉપરાંત બંગલામાં બનેલા જિમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, બેડમિન્ટન કોર્ટ અને સાઈકલ ટ્રેક પણ તોડી નાખવામાં આવ્યા હતા. પીડબલ્યુડીના એન્જિનિયરોએ આ વિસ્તૃત રિપોર્ટની સાથે રાજ્યના રેવન્યૂ ડિપાર્ટમેન્ટને એક સીડી પણ મોકલી છે, જેમાં બંગલાની સ્થિતિની વીડિયોગ્રાફી છે.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તમામ ભૂતપૂર્વ મુખ્યપ્રધાનના સરકારી બંગલા ખાલી કરાવવામાં આવ્યા હતા. અખિલેશ યાદવે ૮ જૂને પોતાના બંગલાની ચાવી રેવન્યૂ ડિપાર્ટમેન્ટને સોંપી હતી.

You might also like