અખિલેશનું મહાગઠબંધનઃ સપા ર૭પ, કોંગ્રેસ ૧૦૩ અને RLDને ર૦ બેઠક

લખનૌ: ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર રીતે સાઇકલનું ચૂંટણી પ્રતીક ફળવાયા બાદ અખિલેશ યાદવ છાવણીએ હવે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ સહિતના પક્ષો સાથે મહાગઠબંધન રચવાની ફોર્મ્યુલા લગભગ નક્કી કરી લીધી છે અને ભાજપને ઉત્તર પ્રદેશમાં બ્રેક મારવા માટે કોંગ્રેસ, સપા, જદ(યુ), રાજદ સહિત ઉત્તર પ્રદેશના કેટલાય નાના-મોટા પક્ષો સાથે મહાગઠબંધન રચવાની લગભગ સર્વાનુમતિ સધાઇ ગઇ છે અને હવે માત્ર વિધિવત્ જાહેરાત થવાની બાકી છે.

અખિલેશ દ્વારા નિર્ધારિત મહાગઠબંધનની ફોર્મ્યુલા અનુસાર ઉત્તર પ્રદેશની ૪૦૩ બેઠકમાંથી અખિલેશના નેતૃત્વ હેઠળ સમાજવાદી પાર્ટી ર૭પ, કોંગ્રેસ ૧૦૩ અને રાષ્ટ્રીય લોકદળ ર૦ બેઠક પર ચૂંટણી લડશે અને બાકીની બેઠકો નાના-મોટા પક્ષોને ફાળવાશે. મહાગઠબંધનના પક્ષ વચ્ચે સધાયેલી સંમતિ અનુસાર સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસને ૧૦૩ બેઠક ફાળવી દીધી છે અને કોંગ્રેસ આ માટે તૈયાર પણ થઇ ગઇ છે. આ ૧૦૩ બેઠકમાંથી ૮૯ પર કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી લડશે અને બાકીની ૧૪ બેઠક પર કોંગ્રેસનાં ચૂંટણી પ્રતીક પર સમાજવાદી પાર્ટીના ઉમેદવાર ચૂંટણી લડશે.

આ અગાઉ આ ફોર્મ્યુલા બિહારમાં એનડીએ દ્વારા વિધાનસભા ચૂંટણીમાં અપનાવવામાં આવી હતી.
રાષ્ટ્રીય લોક દળ (રાલોદ)ને ર૦ બેઠક સમાજવાદી પાર્ટીએ ફાળવી દીધી છે, પરંતુ તેના પ્રમુખ અજિતસિંહ ર૮ બેઠકની માગણી કરી રહ્યા છે જે અંગે વાતચીત ચાલુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન અખિલેશ યાદવ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ગઠબંધન અંગે વાતચીત ચાલી રહી હતી અને ચૂંટણી પંચે અખિલેશ યાદવના નેતૃત્વવાળા સપાના જૂથને સાઇકલનું ચૂંટણી ચિહ્ન સત્તાવાર રીતે ફાળવી દેતાં બંને પક્ષો વચ્ચે ગઠબંધનનો માર્ગ મોકળો થઇ ગયો છે અને આજે આ મહાગઠબંધનની જાહેરાત થઇ શકે છે.
http://sambhaavnews.com/

You might also like