મહિલા નેતાઓથી ચોમેર ઘેરાયેલા અખિલેશ માટે યુપીમાં કપરાં ચઢાણ

આગામી વર્ષે યોજાનારી યુપી વિધાનસભાની ચૂંટણી અનેક રીતે મહત્વની માનવામા આવી રહી છે. પાર્ટી છોડવી, ટિકિટ વહેંચણી, અને અેકબીજાને પડકારવા જેવી બાબતોમાં જોરદાર જંંગ ખેલાઈ રહ્યો હોય તેમ લાગે છે ત્યારે મહિલા નેતાઓથી ઘેરાયેલા અખિલેશ માટે યુપીમાં કપરાં ચઢાણ સમાન બાબત બની રહેશે. અખિલેશ અેક તરફ બહુજન સમાજ પાર્ટીના માયાવતીથી ઘેરાયેલા છે તો બીજી તરફ પ્રિયંકા અને શીલા દી‌િક્ષતની જોડી તેમને પડકાર ફેકવા તૈયાર છે. ત્રીજી બાજુ વધુ ઉત્સાહ સાથે સ્મૃતિ ઈરાની અને ઉમા ભારતી છે. બીઅેસપી આ ચૂંટણીમાં રાજયમાં બગડી રહેલી કાનૂન વ્યવસ્થાનો મુદો ઉછાળી રહી છે. તો ભાજપ વિકાસને લગતા સવાલ ઉઠાવી રહી છે.જયારે કોંગ્રેસે પ્રિયંકાને અેક પછી અેક ૨૦૦ રેલીઓ કરવાની જવાબદારી સાેંપી દીધી છે.

દિલ્હીમાં વિકાસનો ચહેરો બની ગયેલા શીલા દી‌િક્ષતને યુપીની વહુ અને આગામી યુપીની ચૂંટણીમાં મુખ્યપ્રધાન તરીકે પ્રોજેકટ કર્યા છે. સમાજવાદી પાર્ટી પાસે બીએસપી, ભાજપ અને કોંગ્રેસના તરફથી ઉતારવામાં આવેલી આ મહિલા નેતાઓનો કોઈ તોડ જોવા મળતો નથી. જ્યારે મહિલા મતદાર યુપીમાં આગામી સરકાર બનાવવામા મહત્વની ભૂમિકા ભજવશે શું સમાજવાદી પાર્ટીની આશા વિરોધી પાર્ટીઓની આ મહિલા નેતાઓ પર ભારે પડશે? તેવા સવાલ થઈ રહ્યા છે. અથવા તો વિરોધી દળની સરખામણીએ કોઈ મહિલા નેતા ન હેવાની કારણે અધવચ્ચે તેમની ગાડીનું પંકચર પડી જશે? તેવા પણ સવાલ થઈ રહ્યા છે.

કેન્દ્રમાં સત્તા પર રહેલી ભાજપમાં યુપીને લઈને ઘણો ઉત્સાહ જોવા મળે છે. ૨૦૧૪માં અમેઠીની ચૂંટણીમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને જોરદાર ટકકર આપી ચુકેલી સ્મૃતિ ઈરાનીને માનવ સંસાધન મંત્રાલયની જવાબદારીમાંથી મુકત કરી દેવામાં આવ્યા છે. હવે તેઓ કપડા મંત્રાલયની જવાબદારી સંભાળી રહ્યા છે. ભલે સ્મૃતિ અમેઠીથી હારી ગયા હોય પરંતુ તેઓ સતત તેમના મત વિસ્તારનો પ્રવાસ કરી રહ્યા છે. ભાષણ આપવામાં માહેર ગણાતી અને ભીડ અેકત્ર કરવાની ક્ષમતા ધરાવતા સ્મૃતિ ચાકકસપણે યુપીમાં ભાજપ માટે રસ્તો આસાન બનાવી શકે તેમ છે.

બીજી તરફ પછાત જાતિ સાથે સીધો સંપર્ક ધરાવતા ઉમા ભારતી પણ જોશીલા ભાષણ આપવામાં પાછાં પડે તેમ નથી. મથુરાનાં સાંસદ હેમામાલિની પણ ચલ ધન્નો, આજ તેરી બંસતી કી ઈજજત કા સવાલ હે ની સ્ટાઈલમાં મેદાનમાં કૂદી પડશે. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રસના શાહજાદા રાહુલ અમેઠીનો જંગ લગભગ હારી જ ગયા હતા. તેમના વિરોધી સ્મૃતિ ઈરાની તેમને જેટલું નુકસાન પહોંંચાડી શકતા હતા તેટલું પહોંચાડ્યું હતું. ત્યારે પ્રિયંકાને મોરચો સંભાળવો પડ્યો હતાે અને તેણે ભાઈની તરફેણમાં પ્રચાર કરી તેને હારમાંથી બચાવી લીધાે હતાે.

રાજકીય નિષ્ણાંતોનું માનવું છે કે રાહુલ ભલે જીતવામાં સફળ થયા હોય પરંતુ તેનો શ્રેય તો પ્રિયંકાને અને તેની પ્રચારની આક્રમક શૈલીને જાય છે. હવે આ વખતની ચૂટણીમાં આ જ પ્રિયંકા ૧૫૦ થી ૨૦૦ ધુંઆધાર રેલી અને રોડ શોનું આયોજન કરી પ્રચાર માટે ઊતરશે. આ રેલીઓ અને રોડ શો દ્વારા કોંગ્રેસ ચોકકસપણે સારા પરિણામની આશા રાખશે. સાથોસાથ ત્રણ વખત દિલ્હીના મુખ્યપ્રધાન તરીકે રહી ચુકેલા શીલા દિક્ષિતને યુપીની ચૂંટણીમાં મુખ્યપ્રધાન તરીકે પ્રોજેકટ કરવામાં આવ્યા છે.

અને તેઓ મોટાભાગે ઉચ્ચ જાતિઓના મત અંકે કરવામાં માહિર હોવાનું માનવામા આવે છે.બીઅેસપીઅે પણ તેના પાના હજુ ખોલ્યા નથી. પક્ષના વડા માયાવતી હાલ શાંત છે. માયાવતી હાલ લો પ્રોફાઈલ મેન્ટેન કરી રહ્યા છે. પરંતુ કહેવામા આવી રહ્યુ છે કે તેઓ પણ ઝડપથી આ મામલે કોઈ નવો દાવ અજમાવશે. સપા સામે તેનું મોટું હથિયાર રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથલી જવાનો છે. અને તે સપાને આ મુદે ઘેરી શકે તેમ છે.

મુખ્યપ્રધાન અખિલેશ યાદવનાં પત્ની ભલે કનોજ લાકસભાની સીટ પરથી ચૂંટાયા હોય અને તેમને સર્વસંમતિથી ચૂંટાયાં છે પરંતુ તેઓ ભાષણ આપવામાં પાછાં પડે છે. આમ તો ડિમ્પલ સરળ અને સાદા વ્યકિતત્વ વાળા નેતા ગણાય છે. અને તેઓ રાજકીય રીતે જાહેરમાં બહુ ઓછા જાવા મળે છે.
આમ યુપી વિધાનસભાની ચૂંટણી પહેલા અખિલેશ યાદવને મહિલા નેતાઓ ઘેરી લઈને ચૂંટણી વખતે પરેશાનીમાં મૂકી શકે તેમ છે અને તેથી જ કદાચ આ વખતની ચૂંટણી અખિલેશ માટે કદાચ મુશ્કેલ બની રહેશે. રાજકીય પંડિતો પણ આવી બાબતે નવેસરથી મંથન અને વિચારણા કરી રહ્યા છે.

You might also like