સપાનો ઝઘડો ચરમસીમાએ, ચૂંટણી પ્રતિક સાઇકલનો વિવાદ ચૂંટણીપંચમાં પહોંચ્યો

નવી દિલ્હી: સમાજવાદી પાર્ટીનો ઝઘડો હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. મુલાયમસિંહ યાદવે પોતાના પ્રતિનિધિ અમરસિંહ દ્વારા ચૂંટણીપંચને એક આવેદનપત્ર મોકલ્યું છે. લેખિતમાં આપવામાં આવેલ આવેદનપત્રમાં રામગોપાલ દ્વારા ૧લી જાન્યુઆરીએ બોલાવવામાં આ‍વેલા રાષ્ટ્રીય અધિવેશનને ગેરબંધારણીય હોવાનો દાવો કરાયો છે. તો બીજી બાજુ અખિલેશ યાદવે આજે પોતાના ૫, કાલિદાસ માર્ગ ખાતેના નિવાસસ્થાને વિધાનસભ્યોની બેઠક બોલાવી હતી.

સમાજવાદી પાર્ટીનાં ચૂંટણી પ્રતીક સાઈકલ માટેનો વિવાદ ચૂંટણીપંચમાં પહોંચતાં હવે ચૂંટણીપંચે સમાજવાદી પાર્ટીનાં બંને જૂથ એટલે કે મુલાયમ અને અખિલેશ જૂથને એફિડેવિટ ફાઈલ કરીને તેમના કેટલા સમર્થક વિધાનસભ્ય અને એમએલસી છે તેમજ તેમને કેટલા સાંસદનું સમર્થન છે તે જણાવવા આદેશ કર્યો છે. ચૂંટણીપંચે બંનેને ૯ જાન્યુઆરી સુધીમાં આ અંગે જવાબ આપવા આદેશ કર્યો છે. બંને જૂથને એક બીજાં જૂથે આપેલા એ દસ્તાવેજો મોકલવામાં આવ્યા છે જે તેમણે ચૂંટણીપંચને આપ્યા હતા.

ચૂંટણીપંચે એવો આદેશ કર્યો છે કે અખિલેશ યાદવ અને મુલાયમસિંહ યાદવ જૂથ તેમના સમર્થક એમપી, એમએલએ અને એમએલસીના સહી વાળાં  એફિડેવિટ રજૂ કરીને તેમનું શક્તિ પરીક્ષણ સાબિત કરે.ચૂંટણીપંચનાં સૂત્રોએ જણાવ્યું છે કે ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. એટલા માટે ચૂંટણીપંચ આ મુદ્દાને સત્વરે ઉકેલવા માગે છે. ચૂંટણીપંચે ૯ જાન્યુઆરી સુધીમાં બંને જૂથને પોતપોતાના દાવાઓ પોતાના સમર્થકની સહી સાથે એફિડેવિટ દ્વારા રજૂ કરવા આદેશ કર્યો છે.

સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે રામગોપાલ યાદવને મંગળવારે ચૂંટણીપંચને જે દસ્તાવેજો સોંપ્યા છે તેમાં એ‍વો દાવો કરવામાં આવ્યાે છે કે અખિલેશ યાદવ જૂથ જ અસલી સમાજવાદી પાર્ટી છે. દસ્તાવેજોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે મુખ્યપ્રધાન અખિલેશ યાદવને વિધાનસભા, વિધાન પરિષદ અને લોકસભા-રાજ્યસભાના મોટા ભાગના ચૂંટાયેલા સભ્યનું સમર્થન પ્રાપ્ત છે. લગભગ ૧૦૦ પાનાંના આ દસ્તાવેજમાં ૫,૦૦૦થી વધુ પક્ષ પ્રતિનિધિ અને ૯૦ ટકા સાંસદ વિધાનસભ્ય અને વિધાન પરિષદના સભ્યની સહીઓ સામેલ છે.

ત્યારે બીજી બાજુ મુલાયમ જૂથ દ્વારા સોંપવામાં આવેલા દસ્તાવેજમાં બહુ ઓછા લોકોની સહી છે તેમ છતાં ચૂંટણીપંચે બંને જૂથને પોતાના સમર્થક પ્રતિનિધિઓની સહીઓ વાળાં એફિડેવિટ સોંપવા આદેશ કર્યો છે. ચૂંટણીપંચનાં સૂત્રો દ્વારા સહીઓ વાળાં એફિડેવિટને આધારે જ ચૂંટણીપંચ એ નિર્ણય કરશે કે ક્યા જૂથની બહુમતી છે અને જે જૂથની બહુમતી હશે તેમને ચૂંટણી પ્રતીકની મંજૂરી આપવામાં આવશે.

અખિલેશે બેઠક બોલાવીઃ આજે નવી યાદી જાહેર થશે
સપામાં જારી રાજકીય સંકટ વચ્ચે સીએમ અખિલેશ યાદવે આજે સવારે ૧૦-૦૦ વાગ્યે પક્ષના વિધાનસભ્યની બેઠક બોલાવી છે. ચૂંટણીપંચે બુધવારે યુપી સહિત પાંચ રાજ્યોની ચૂંટણીની જાહેરાત કર્યા બાદ અખિલેશ યાદવ આ બેઠકમાં ચૂંટણી રણનીતિ પર ચર્ચા કરશે અને આજે યુપીની ચૂંટણી માટે પોતાના જૂથની નવી યાદી જાહેર કરશે. આ ઉપરાંત પ્રચાર અભિયાન, રથયાત્રા કાર્યક્રમ અને રેલીઓ પર ચર્ચા થશે.
http://sambhaavnews.com/

You might also like