અખિલેશ અને માયાવતીની કાલે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સઃ ગઠબંધનની સત્તાવાર જાહેરાત થશે

લખનૌઃ લોકસભા ચૂંટણી-ર૦૧૯માં ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી (સપા) અને બહુજન સમાજ પાર્ટી (બસપા)ના ગઠબંધન અને બેઠક વહેંચણીની આવતી કાલે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. સપાના વડા અખિલેશ યાદવ અને બસપાના સુપ્રીમો માયાવતી આવતી કાલે લખનૌમાં પ્રથમ સત્તાવાર સંયુકત પત્રકાર પરિષદને સંબોધશે.

સમાજવાદી પાર્ટીએ ટ્વિટર હેન્ડલ પર આ પત્રકાર પરિષદની જાણકારી આપી છે. મીડિયાને મોકલવામાં આવેલા આમંત્રણપત્રમાં સપાના રાષ્ટ્રીય સચિવ રાજેન્દ્ર ચૌધરી અને બસપાના રાષ્ટ્રીય સચિવ સતીષચંદ્ર મિશ્રાના હસ્તાક્ષર છે. સપા-બસપાના ગઠબંધનને લઇને લાંબા સમયથી વાતચીત ચાલી રહી હતી.

સપા દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલ મીડિયા ઇન્વિટેશન અનુસાર આ પત્રકાર પરિષદ લખનૌની ગોમતીનગર સ્થિત હોટલ તાજમાં યોજાશે. એક સપ્તાહ પૂર્વે દિલ્હીમાં અખિલેશ યાદવ અને માયાવતીની મુલાકાત થઇ હતી. બંને વચ્ચે દોઢ કલાક સુધી વાતચીત ચાલી હતી. મુલાકાત બાદ સૂત્રોના જણાવ્યા અનુસાર બંને વચ્ચે બેઠક વહેંચણીની ફોર્મ્યુલાને આખરી ઓપ આપવામાં આવ્યો હતો અને હવે માત્ર તેની સત્તાવાર જાહેરાત કરવાની જ બાકી છે.

બેઠક વહેંચણીની જે ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે તે મુજબ સમાજવાદી પાર્ટીને ૩પ, બસપાને ૩૬ બેઠક અને રાષ્ટ્રીય લોકદળને ત્રણ બેઠક ફાળવવામાં આવશે. જ્યારે ચાર બેઠક રિઝર્વ રાખવામાં આવી છે. આ ઉપરાંત ગઠબંધન અમેઠી અને રાયબરેલીમાં પોતાના ઉમેદવાર ઉતારશે નહીં.

યુપીમાં ગેરકાયદે ખનનના મામલાને લઇને સીબીઆઇ દ્વારા કાર્યવાહી કર્યા બાદ બસપાના સુપ્રીમો માયાવતીએ અખિલેશ યાદવને ફોન કર્યો હતો. ગોરખપુરની પેટા ચૂંટણી દરમિયાન પણ બંને પક્ષો ર૬ વર્ષ જૂની દુશ્મની ભૂલીને એક બનીને લડયા હતા. કૈરાના લોકસભા પેટા ચૂંટણીમાં રાલોદના ઉમેદવારને સપા-બસપા અને કોંગ્રેસને સમર્થન આપ્યું હતું. ફુલપુરની બેઠક પર પણ બંને સંગઠિત થયા હતા અને ત્રણેય બેઠક પર ભાજપનો પરાજય થયો હતો.

તાજેતરમાં સીબીઆઇએ ગેરકાયદે ખનનના કેસમાં અખિલેશ ફરતે ગાસિયો કસ્યો ત્યારે માયાવતીએ અખિલેશ યાદવને ફોન કરીને ખાતરી આપી હતી કે બસપા તમારી સાથે જ છે. સપાના મહામંત્રી રામગોપાલ યાદવ અને બસપાના મહામંત્રી સતીષચંદ્ર મિશ્રાએ તાજેતરમાં એક સંયુકત પત્રકાર પરિષદ સંબોધીને ભાજપ પર તેજાબી પ્રહારો કર્યા હતા. સતીષચંદ્ર મિશ્રાએ અખિલેશ યાદવનો જોરદાર બચાવ કરતાં જણાવ્યું હતું કે મુખ્ય મુદ્દાઓ પરથી લોકોનું ધ્યાન અન્યત્ર વાળવા ભાજપ સીબીઆઇનો દુરુપયોગ કરી રહી છે.

You might also like