સ્કર્ટની લંબાઈ અને સાડીની પહોળાઈ

થોડાં દિવસો પહેલાં સુપરસ્ટાર અમિતાભ બચ્ચને તેમની દોહિત્રી અને પૌત્રીને લખેલા પત્રની બહુ ચર્ચા થઈ. કેટલાંક લોકોએ ટીકા પણ કરી.આપણે એ ટીકાની વાત નથી કરવી. સામાન્ય સમજમાં તો મર્યાદાની સાથે સભ્યતા પણ આપોઆપ વણાઈ જાય છે.

સૌથી પહેલો સવાલ એ થાય કે કપડાંની પસંદગી, કપડાં પહેરવાની રીતભાત અને સંસ્કારો કે સભ્યતા એકબીજાં સાથે જોડાયેલાં છે ખરાં ?ઘણાંનો જવાબ હા હશે કદાચ કેટલાંકનો જવાબ ના પણ હશે. એક યુરોપિયન સ્ત્રીનો કિસ્સો યાદ આવે છે. એ યુરોપિયન મહિલા ગુજરાતી પરિવારની પુત્રવધૂ બની. જો તમે એવું વિચારતા હોવ કે એ પુત્રવધૂએ ગુજરાતી શીખ્યું, સાડી પહેરવાની શરૃ કરી દીધી તો તમે બિલકુલ ખોટા છો. એ પુત્રવધૂને તહેવારોની ઉજવણી દરમિયાન મળવાનું થયું. જેટલું એ સ્વીકારી શકતી હતી એટલી એણે પોતાની જાતને એ પરિવારમાં ઢાળવાની કોશિશ કરી. આ ઉજવણી દરમિયાન પરિવારમાં એના પરદાદાજી સસરા બીમાર પડ્યા. સ્પગેટી ટોપ અને શોટ્ર્સ પહેરીને એ યુવતી પરદાદાજી સસરાને સ્પંજ કરવાથી માંડીને જમાડવાનું તેમજ ઈન્સ્યુલિનનું ઈન્જેક્શન, જરૃરી બધી જ દવાઓની સંભાળ લેવાનું કામ એ સહજતાથી કરતી હતી. મજાની વાત એ છે કે શરૃઆતના સમયને બાદ કરતાં એ પરિવારની એક પણ વ્યક્તિને એ વિદેશી વહુના પહેરવાઓઢવા વિશે કોઈ સવાલો ન હતા.

શું એ યુુવતી વિદેશી ન હોત તો પરિવારજનોને એના પહેરવાઓઢવા વિશે સવાલો હોત? કદાચ એનું વિદેશી હોવું એને મદદરૃપ બન્યું એવું આ કિસ્સામાં કહી શકાય.સાથોસાથ બીજો એક કિસ્સો પણ કહેવાનું મન થાય છે. એક પરિવારમાં પતિ અને દિયર સિવાયના તમામ પુરુષોની લાજ કાઢવાનો રિવાજ. લાજ કઢાતી હોય એવા ઘરમાં મર્યાદા જળવાતી હોય અને ઝઘડા ઓછા થતા હોય એવું જરૃરી નથી. આ પરિવારમાં એક વખત મિલકત માટે ઝઘડો થયો. પરિવારની સૌથી નાની પુત્રવધૂએ લાજ કાઢેલી હાલતમાં જ જેઠ અને સસરા સામે બોલવાનું શરૃ કર્યું. વાત વધુ વણસી અને એ પુત્રવધૂ લાજ સાથે ઘરના વડીલોને જે મનમાં આવે એમ બોલવા માંડી.આવું થાય ત્યારે વિચાર આવે કે ગુણ જોવાના કે કપડાં? ખરી મર્યાદા અને સંસ્કારોની વ્યાખ્યામાં શું આવે તે નક્કી કરવું મુશ્કેલબની જાય છે.

ન ગમે તેવી અને કડવી વાસ્તવિકતા એ છે કે ભારતીય જનમાનસમાં કપડાંથી જ ઘણુંખરું માપવામાં આવે છે. સોશિયલ મીડિયા પર ઘણાં પ્રયોગાત્મક વીડિયો પણ મૂકવામાં આવે છે. શોર્ટ સ્કર્ટ અને સ્લીવલેસ ટોપ અથવા તો શરીર ઓછું ઢંંકાય એવી યુવતી બહાર નીકળી હોય અને તેની સાથે છેડતી થઈ હોય. શાબ્દિક છેડતીથી માંડીને અડપલાં થયાં હોય તેવો વીડિયો આપણે જોયો છે. એ જ યુવતીસાડી પહેરીને કે થ્રી પીસ પંજાબી ડ્રેસ પહેરીને નીકળે તો સરખામણીમાં ઓછી છેડતી થાય એવું પણ બને છે.

કપડાંની પસંદગી તમને ગમે તેવી રીતે કરવાની હોય કે બહાર નીકળશો ત્યારે સામેવાળો શું વિચારશે તેને ધ્યાને રાખીને કરવાની હોય? હકીકત એ છે કે આપણે ત્યાં પુરુષ કેવાં કપડાં પહેરે છે એ જવલ્લે જ માર્ક કરવામાં આવે છે પણ છોકરી, યુવતી કે મહિલાએ કેવાં કપડાં પહેર્યાં છે એ પુરુષો નહીં દરેક ઉંમરની મહિલા પણ માર્ક કરે છે. નવી પેઢીના ઘણાં લોકો મૉડર્ન દેખાવાની લાયમાં સંતાનોને છૂટ આપે છે પણ અંદરખાને ક્યાંક ને ક્યાંક કપડાંને લીધે પોતાની દીકરીની સલામતીમાં કંઈ અડચણ તો નહીં આવેને એવો સવાલ તો એમના મનમાં ઊઠે જ છે.

હકીકત એ છે કે કપડાં પહેરવાની રીતભાત નહીં પણ આપણી માનસિકતા બદલવાની જરૃર છે. તમે કેવાં કપડાં પહેર્યાં છે તેના ઉપરથી સામેવાળો તમારી સભ્યતા અને સંસ્કાર નક્કી કરતો હોય તો એ એની સમજનો પ્રોબ્લેમ છે. કોઈની સમજ તમે બદલી ન શકો પણ જો તમારા હાથમાં આવનારી પેઢીનું ઘડતર હોય તો તમે એ પેઢીની માનસિકતાને નાનપણથી કેળવી શકો ખરાં એ વાતમાં બે મત નથી. મહત્ત્વની વાત એ પણ છે કે સ્ત્રીઓ પોતે પણ એની માન્યતાઓ કે ગેરમાન્યતાઓમાંથી બહાર નથી આવી શકતી. કોણ શું કહેશે એનો ડર સતત હાવી રહેતો હોય ત્યાં પહેલાં આપણે આપણી જાતને તૈયાર કરવી પડે કે મારા માટે સ્કર્ટની લંબાઈ કે સાડીની પહોળાઈ મહત્ત્વ નથી ધરાવતી. મારા માટે હું અને મારા વિચારોની ક્લિયારિટી વધુ મહત્ત્વની છે.

જ્યોતિ ઉનડકટ

You might also like