એ. કે. જોતિ આગામી મુખ્ય ચૂંટણી કમિશનર બનશેઃ રાષ્ટ્રપતિની મંજૂરી

નવી દિલ્હીઃ ગુજરાત કેડરના આઈએએસ અધિકારી અચલકુમાર જોતિ આગામી મુખ્ય ચૂંટણી કમિશનર બનશે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ તેમની નિમણૂકને લીલી ઝંડી આપી દીધી છે. જોતિ આગામી સપ્તાહે વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર નસીમ જૈદીનું સ્થાન લઈને તેમના અનુગામી બનશે. નસીમ જૈદી ૬ જુલાઈએ નિવૃત્ત થઈ રહ્યા છે.

કેન્દ્ર સરકારે ત્રણ સભ્યના ચૂંટણીપંચમાં મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે એકે જોતિનું નામ તેમની નિમણૂક માટે રાષ્ટ્રપતિને મંજૂરી અર્થે મોકલ્યું હતું. રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ સરકારની ભલામણ પર મંજૂરી આપી દીધી છે. હવે અચલકુમાર જોતિ જ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરાવશે. મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જોતિની પ્રથમ ચૂંટણી રાષ્ટ્રપતિપદ માટેની ચૂંટણીની કામગીરી રહેશે.

૬૯ વર્ષના અચલકુમાર જોતિ ગુજરાતના મુખ્ય સચિવ રહી ચૂક્યા છે. તેમને ૪૦ વર્ષનો વહીવટી અનુભવ છે. તેઓ જાન્યુઆરી-૨૦૧૩માં ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશનરપદેથી પણ નિવૃત્ત થયા હતા એ વખતે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા. અચલકુમાર જોતિને ૭ મે ૨૦૧૫ના રોજ ત્રણ સભ્યના ચૂંટણીપંચમાં સ્થાન આપવામાં આવ્યું હતું. તેઓ ૧૯૭૫ની બેચના ગુજરાતના કેડરના આઈએએસ અધિકારી છે. તેઓ ૬૫ વર્ષની વય સુધી મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે ચાલુ રહેશે.
http://sambhaavnews.com/

You might also like