શ્રેણીનો પહેલો સદીવીર બન્યો અજિંક્ય રહાણે

નવી દિલ્હીઃ આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી ચોથી અને અંતિમ ટેસ્ટના બીજા દિવસે બધાની નજર અજિંક્ય રહાણે પર ટકેલી હતી, કારણ કે ગઈ કાલની રમત પૂરી થઈ ત્યારે અજિંક્ય રહાણે ૮૯ રને બેટિંગ કરી રહ્યો હતો. ભારતના ક્રિકેટ ચાહકોને રહાણેની સદીને ઇંતેજાર હતો. ભારતની ઇનિંગ્સની ૯૪મી ઓવર દક્ષિણ આફ્રિકાનો ફાસ્ટ બોલર એબોટ કરી રહ્યો હતો ત્યારે રહાણે પોતાની ઇનિંગ્સનો ૧૦મો ચોગ્ગો ફટકારીને પોતાની કરિયરની પાંચમી અને ભારતની ધરતી પર પહેલી સદી પૂરી કરી હતી.

ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી શ્રેણીની ચોથી અને અંતિમ ટેસ્ટમાં ભારતનો અજિંક્ય સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. અત્યાર સુધી રમાયેલી ત્રણેય ટેસ્ટમાં બોલર્સનું પ્રભુત્વ રહ્યું હતું. દિલ્હી ટેસ્ટમાં પણ ભારતીય ઇનિંગ્સમાં બેટ્સમેનોનું કંગાળ ફોર્મ ચાલુ જ રહ્યું હતું અને એક સમયે ૧૩૯ રનમાં છ વિકેટ ગુમાવી દીધી, પરંતુ એક છેડો સાચવીને ઊભેલા રહાણેએ તેની શાનદાર બેટિંગ ટેકનિકનું પ્રદર્શન કરીને પોતાની કરિયરની પાંચમી સદી ફટકારી ભારતના ટોપઓર્ડરને જાણે કે શિખામણ આપી હતી કે આવી વિકેટ પર ધૈર્યપૂર્ણ રમત કેવું ફળ આપે છે. છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે ભારતનો સ્કોર આઠ વિકેટે ૨૯૭ રન છે. અશ્વિન ૨૯ રને અને યાદવ ચાર બેટિંગ કરી રહ્યા છે. રહાણે તાહિરની બોલિંગમાં ૧૧ ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે ૧૨૭ રન બનાવીને આઉટ થયો હતો.

આ શ્રેણીમાં અત્યાર સુધીમાં બંને ટીમમાંથી કોઈ પણ બેટ્સમેન સદી ફટકારી શક્યો નહોતો. શ્રેણમાં અત્યાર સુધી સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન મુરલી વિજય છે, જેણે ચાર મેચની
છ ઇનિંગ્સમાં કુલ ૨૦૭ રન બનાવ્યા છે, પરંતુ તેના બેટમાંથી પણ હજુ એકેય સદી નીકળી નથી.
ગઈ કાલે પ્રથમ દિવસે ભારતની ધરતી પર પહેલી અર્ધસદી ફટકારનારા રહાણેએ બીજા છેડેથી વિકેટોના પતન વચ્ચે સંયમપૂર્વકની ઇનિંગ્સ રમી હતી. આ વર્તમાન શ્રેણીમાં કોઈ પણ ભારતીય બેટ્સમેન દ્વારા ફટકારાયેલી ત્રીજી અર્ધસદી હતી, જ્યારે રહાણેના ટેસ્ટ કરિયરની એ આઠમી અર્ધસદી હતી. ગઈ કાલે વિરાટ કોહલી વિકેટ પર હતો એ દરમિયાન રહાણેએ સહાયકની ભૂમિકા નિભાવી હતી, પરંતુ વિરાટના આઉટ થતાં સાથે જ તે મુખ્ય ભૂમિકામાં આવી ગયો હતો અને ભારતના સ્કોરને દિવસના અંત સુધીમાં સન્માનજનક સ્થિતિએ લઈ ગયો હતો.

આવતાં જ છવાઈ ગયો પીએટ
લગભગ ૧૬ મહિના બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના વાપસી કરનારો દક્ષિણ આફ્રિકાના ઓફ સ્પિનર ડેન પીએટે મેદાન પર આવતાં જ શાનદાર પ્રદર્શન કર્યું. પીએટ ગત વર્ષે ખભાની ઈજા સામે ઝઝૂમી રહ્યો હતો, જેના કારણે તેની કરિયર પણ દાવ પર લાગી ગઈ હતી, પરંતુ ભારત વિરુદ્ધ ચોથી ટેસ્ટના પહેલા દિવસે તેણે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. પીએટે ગઈ કાલની રમત પૂરી થયા બાદ કહ્યું કે, ”હું જાણતો હતો કે મારે વાપસી માટે લાંબી રાહ જોવી પડશે. આ વાસ્તવમાં મારા માટે ભાવનાત્મક અને શારીરિક રૂપથી ઘણો મુશ્કેલ સમય હતો.”

વિશ્વ કપ અપાવનારા દિલ્હીના દબંગોનું કેજરીવાલ સન્માન કરશે
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ ચોથી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે એટલે કે આવતી કાલે ફિરોજશાહ કોટલા મેદાન પર ઉપસ્થિતિ રહેશે અને ૧૯૮૩ તથા ૨૦૧૧ના વિશ્વ કપ વિજેતા દિલ્હીના ખેલાડીઓનું સન્માન કરશે. વિશ્વ કપ વિજેતાઓ ઉપરાંત ભૂતપૂ્ર્વ ભારતીય કેપ્ટન બિશનસિંહ બેદી અને સ્વ. મન્સૂર અલી ખાન પટૌડીનાં પત્ની શર્મિલા ટાગોરને પણ સન્માનિત કરાશે. ભારતની ૨૦૧૧ની વિશ્વ વિજેતા ટીમમાં દિલ્હીના વીરેન્દ્ર સેહવાગ, વર્તમાન કેપ્ટન વિરાટ કોહલી, ગૌતમ ગંભીર અને આશિષ નેહરા, જ્યારે ૧૯૮૩ની ટીમમાં મોહીન્દર, કીર્તિ આઝાદ, મદનલાલ અને સુનીલ વાલસન સામેલ હતા.

You might also like