ફાયરિંગ થતું હોય ત્યારે કોઈ પણ પાકિસ્તાની કલાકાર સાથે કામ કરી શકું નહીંઃ અજય દેવગણ

નવી દિલ્હી: બોલિવૂડ અભિનેતા અજય દેવગણ કોઈ પણ પાકિસ્તાની કલાકાર સાથે કામ કરવા ઈચ્છતો નથી. ભારત-પાકિસ્તાન વચ્ચે વર્તમાન સ્થિતિને લઈને જ્યારે અજય દેવગણને સવાલ કરાયો ત્યારે તેણે જણાવ્યું કે તમે મારી પાસે શું અપેક્ષા રાખો છો? જ્યારે સતત ગોળીઓ વરસી રહી હોય ત્યારે હું કોઈ પાકિસ્તાની આર્ટિસ્ટ સામે કામ કરી શકું નહીં. જો તમે વાતચીત કરી રહ્યા હો અને કોઈ તમને આવીને મારી દે તો તમે કઈ રીતે વાત ચાલુ રાખી શકો.
જ્યારે અજણ દેવગણને પૂછવામાં આવ્યું કે શું તે ભાજપ તરફી વલણ અપનાવી રહ્યા છે ત્યારે અજયે જણાવ્યું કે આવી સ્થિતિમાં કોઈ પણ સરકાર હોય, હું આવું જ વલણ લઈશ. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા મહિને ઉરી આતંકી હુમલામાં ૧૯ જવાનો શહીદ થયા બાદ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ ભારતમાં પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી હતી. મનસેએ આ કલાકારોને ભારત છોડી દેવાની ધમકી આપી હતી. કેટલાય કલાકારોએ મનસેની માગને સમર્થન આપ્યું હતું.

અજય દેવગણે જણાવ્યું હતું કે એક હાથે ક્યારેય તાળી વાગી શકે નહીં. વાતચીત થવી જોઈએ, જો તમે વાતચીત કરી રહ્યા હોય અને કોઈ તમને આવીને મારી જાય તો તમે કઈ રીતે વાતચીત ચાલુ રાખી શકો ? હું કહેવા માગું છું કે તમે વાત કરી રહ્યા હોય અને કોઈ આવીને તમને જોરદાર તમાચો મારી જાય તો તમે શું કરશો? તમે વાત કરતા રહેશો કે તેનો જવાબ આપશો?

You might also like