અજામિલ આખ્યાન

માનવનું કલ્યાણ કરનાર હરિનામ છે. દુ:ખ હરનાર પણ હરિ છે. હે પરીક્ષિત ! આ અજામિલની વાત તને કહું છું તે તું ધ્યાનથી સાંભળ. અજામિલ અઠ્યાસી વર્ષના બ્રાહ્મણ હતા.તેને એક દીકરો તેનું નામ નારાયણ. અજામિલનો અંતકાળ આવી લાગ્યો. તેની નાડી તૂટવા લાગી. અજામિલને દીકરો યાદ આવ્યો.
“નારાયણ-નારાયણ’- બોલતાં જ તેનું પ્રાણપંખેરું ઊડી ગયું. યમરાજાએ કહ્યું,”આ પાપી બ્રાહ્મણ છે તેને નરકમાં નાખો.”
યમના દૂતો અજામિલના જીવને દોરડાથી બાંધવા આવ્યા. ભગવાનના પાર્ષદો જ્યારે વિમાન લઇ આવ્યા ત્યારે ભગવાને કહ્યું કે ચિત્રગુપ્તના ચોપડામાં અજામિલનું જીવન વૃત્તાંત કાઢો. ચોપડો ખોલ્યો, તેમાં લખ્યું હતું, અજામિલ વિદ્વાન બ્રાહ્મણ હતો. તેને પત્ની અને બાળકો હતાં. ચોવીસ વર્ષની વયે અજામિલ લાકડાં લેવા વનમાં ગયો, ત્યાં તેને એક અપ્સરા મળી. અપ્સરાએ અજામિલને પોતાની સાથે લગ્ન કરવા કહ્યું. અજામિલે હા પાડી. બન્નેએ લગ્ન કર્યાં. લોકો કહેવા લાગ્યા,” આ અજામિલ જાતે બ્રાહ્મણ-પરણેલો –ઘરે પત્ની –બાળકો હોવા છતાં કેમ પરણ્યો? તેને નાત બહાર મૂકો.”અપ્સરા કહે, “હું તમને પરણી છું, હું ક્યાં જાઉં?” અજામિલ અપ્સરા જોડે રહેવા લાગ્યો. અપ્સરાએ અજામિલને કહ્યું,”તમે વિદ્વાન બ્રાહ્મણ, પરણેલા, ઘરે સુંદર પત્ની અને બાળકો હોવા છતાં શા માટે મારી સાથે લગ્ન કર્યા? શા માટે ખોટું બોલ્યા?” અજામિલ સાથે ગામના લોકે કોઇ જ સંબંધ ન રાખ્યો. અપ્સરા ઇશ્વરનું સ્મરણ કરતી. અગિયારશ કરતી. બારશને દિવસે બ્રહ્મભોજન કરાવી પછી જ જમવું તેવો અપ્સરાએ નિયમ રાખેલો. અપ્સરાએ અજામિલને પોતે લીધેલા વ્રતની વાત કરી. અજામિલ કહે,” મને તે વ્રત માન્ય નથી.” અપ્સરા સગર્ભા છે. તેને છઠ્ઠો મહિનો ચાલે છે. આજે બારશ હતી. બપોરે બાર વાગ્યા છતાં કોઇ બ્રાહ્મણ આજે તેને બારણે ન આવ્યા. અજામિલ કહે,”મને ભૂખ લાગી છે.” અપ્સરા કહે,”તમે જમી લો, હું તમારી થાળી પીરસી દઉં.”અજામિલ કહે,” ના, એમ નહીં. આપણે એક થાળીમાં જમીએ.” અપ્સરા કહે,”થોડીવાર રાહ જુઓ. હમણાં કોઇ બ્રહ્મદેવ આવશે. તેને જમાડી લઉં.” ફરી થોડો સમય ગયો. અજામિલે ફરી કહ્યું,”જમી લઇએ.” અપ્સરા કહે,”ધીરજ રાખો.” સાડા બાર વાગ્યા. વૈશાખી એકાદશી, મોહિની એકાદશી કરી એક સંન્યાસી ભિક્ષા લેવા આવ્યા એમ બારીમાંથી અપ્સરાએ જોયું. તેણીએ વિચાર્યું, સંન્યાસી ક્યાંક આસન લે તો બોલાવું. મહાત્મા બેઠા. સાડા બાર વાગ્યે સામગ્રી તૈયાર કરી થાળી પર પાલવ ઢાંકી, ખુલ્લા પગે અપ્સરા ભિક્ષા આપવા ગઇ.અપ્સરા અને જોઇ મહાત્મા બોલ્યા,”પધારો મા ! અપ્સરાની આંખમાં આંસુ ઊભરાયાં. મહાત્માએ એ આંસુ આવવાનું કારણ પૂછ્યું. અપ્સરા કહે, “મને મા કહેનારા બે. તમે અને એક મારા પેટમાં છે.” “મા, હું જરૂર ભિક્ષા લઇશ પણ મારા પિતાને અર્થાત તમારા પતિને અહીં બોલાવો. એ અહીં ન આવે તો હું ત્યાં તમારા ઘરે આવીશ.” અપ્સરાએ અજામિલ પાસે આવીને કહ્યું,”સ્વામી, તમે મહાત્માનાં દર્શને પધારો.” અજામિલ મહાત્મા પાસે આવ્યો. પ્રણામ કર્યા. મ્હાત્માને કહ્યું,” કૃપા કરી ભિક્ષા સ્વીકારો.” મહાત્મા કહે,”હું ભિક્ષા લઉં પણ એક શરતે” અજામિલે કહ્યું,”કૃપા કરી તમારી શરત કહો.”મહાત્મા કહે,”સાંભળો, અપ્સરાના પેટમાં બાળક છે. તેનું નામ નારાયણ પાડજો અને આ જ પછી તમારે સંસાર ન ભોગવવો.” અજામિલે પ્રતિજ્ઞા લીધી.મહાત્માએ ભોજન કર્યું. અપ્સરાને દીકરો આવ્યો. તેનું નક્કી કર્યા પ્રમાણે નારાયણ નામ પાડ્યું.”
એક દિવસ અજામિલ અને અપ્સરા પાસે ભજનમંડળી આવી. “અમારે ઇશ્વરના સાચા ભક્તને ત્યાં ઠાકોરજી પધરાવીને પછી આરતી ઊતરાવવી છે. તમારે ત્યાં ઠાકોરજી પધરાવી તમારી પાસે ભગવાનની આરતી ઊતરાવવી એમ અમે વિચાર્યું છે.” બન્ને જ્ણાએ કહ્યું,”ભાઇ, અમે તો પાપી છીએ ને સમાજનાં પણ ગુનેગાર છીએ.” બંનેએ બહુ ના પાડી છતાં તેઓનાં ઘરે ઠાકોરજી પધરાવી તેમની પાસે આરતી ઉતરાવી. દીવાની વાટ પેટાવી બંને જણાએ પ્રેમથી ઠાકોરજીની આરતી ઉતારી. બંનેએ મનને એકાગ્ર કરી ભગવાનમાં મન પરોવ્યું. ભગવાનમાં મન પરોવ્યું. ભગવાનનાં દર્શન કર્યા. બંનેનાં પાપ બળીને ભસ્મ થઇ ગયાં.
અજામિલ પાપી હશે, પરંતુ ચોવીસ વર્ષની યુવાન વયે ગંગા કિનારે ત્રણ કલાક સતત ઇશ્વરનું ધ્યાન ધરતો. એક દિવસ સમાધિ દશામાં સહેજ બેભાન બન્યો. તે વખતે અપ્સરા પાણી ભરવા આવી. બેભાન યુવાનને જોઇ અપ્સરા તેના પગમાં સૂંઠ ઘસવાલાગી. અજામિલે અપ્સરાને શાપ આપ્યો,” “જીવન સંબંધ બંધાશે.” અજામિલે જરૂર પાપ કર્મ કર્યાં છે પણ પ્રાયશ્ચિત્ત પણ કરેલું છે.
યમદૂતોએ ભગવાનના પાર્ષદોની માફી માગી. યમરાજાએ કહ્યું,” કોઇ ચોરી કરે, ખરાબ કામ કરે, પાપાચાર કરે, ઇશ્વરને યાદ ન કરે તેને અહીં લાવવા.જે ભગવાનની ભક્તિ કરે, ઇશ્વરનું આરાધન કરે. એક વખત પાપ થઇ ગયા પછી ખરા હ્રદયથી પ્રાયશ્ચિત્ત કરે તેને યમ દરબારમાં લાવવા નહીં.”
અજામિલે પોતાના અંતકાળે અજાણ્યે પોતાના પુત્ર નારાયણને બોલાવ્યો અને ભગવાન આવીને ઊભા રહ્યા. અજામિલનો ઉદ્ધાર થઇ ગયો. અજાણતાં નારાયણનું નામ લીધેલું પણ અફળ જતું નથી.
અજામિલનું બાર વર્ષનું આયુષ્ય હજી બાકી હતું. ભગવાન નારાયણે યમદૂતોને પાછા કાઢ્યા.
અજામિલ સાજો થયો, બાકીના બાર વર્ષ તેણે ભગવાન નારાયણની ભક્તિમાં વ્યતીત કર્યા.
તેને બાર વર્ષ પછી સ્વધામ
લઇ જવા વિમાન આવ્યું. •

You might also like