બિગ બીના નકશે કદમ પર વહુ ઐશ્વર્યા

જ્યારે બિગ બીએ નાના પરદા પર પગ મૂક્યો ત્યારે તેમને લઇને અફવાઓનું બજાર ગરમ હતું. ટીકાકારો સતત કહી રહ્યા હતા કે બિગ બી પાસે હવે કોઇ કામ બચ્યું નથી. તેથી તેઓ નાના પરદા પર આવી રહ્યા છે, પરંતુ ‘કૌન બનેગા કરોડપતિ’ની સફળતાએ લોકોનાં મોઢાં બંધ કરી દીધાં હતાં. થોડાં વર્ષ બાદ આવી જ પરિસ્થિતિમાંથી બચ્ચન પરિવારની વહુ ઐશ્વર્યા પસાર થઇ રહી છે. તે નાના પરદા પર આવવાની છે તે નિર્ણયની જાણ થતાં જ ટીકાકારો આ બાબતને તેની પાસે કામ ન હોવાની વાત સાથે જોડી રહ્યા છે. હવે જોવાનું એ છે કે નાના પરદા પર ઐશ્વર્યા પોતાના સસરાની જેમ સફળતાનો સ્વાદ ચાખી શકશે કે નહીં.

તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘અય દિલ હૈ મુશ્કિલ’માં પોતાની સુંદરતા અને શાયરીથી દર્શકોને દીવાના કર્યા બાદ હવે ઐશ્વર્યા નાના પરદે ડેબ્યૂ કરવા જઇ રહી છે. પોતાના સસરા અને બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનની જેમ ઐશ્વર્યા પણ નાના પરદા પર એક રિયાલિટી શો કરતી જોવા મળશે. ‘દિલ હૈ હિંદુસ્તાની’ નામના રિયાલિટી શોમાં ઐશ્વર્યા જજની ભૂમિકા ભજવશે. આ ઉપરાંત આ શોમાં કરણ જોહર, શાલમલી ખોલગડે અને શેખર ખજિયાની જેવા સિંગર પણ જોવા મળશે, જોકે આનો મતલબ એ નથી કે ઐશ્વર્યા ફિલ્મોમાં કામ નહીં કરે. તેણે તાજેતરમાં એક ફિલ્મ સાઇન કરી છે, જેમાં તેની સાથે શાહરુખ ખાન પણ છે. હાથમાં વધુ ફિલ્મો ન હોવાના કારણે એવો ક્યાસ પણ લગાવાઇ રહ્યો છે કે ઐશ્વર્યાને વધુ પ્રોજેક્ટ મળતા નથી. ઐશ્વર્યા ઇન્ડસ્ટ્રીમાં ફરી એક વાર પોતાના પગ જમાવવાની કોશિશ કરી રહી છે. ૨૦૧૦માં તેણે ફિલ્મોમાંથી બ્રેક લીધો તો ૨૦૧૫માં તે ‘જજબા’થી પરત ફરી. •
http://sambhaavnews.com/

You might also like