બોલિવૂડમાં પણ સફળ થઈશ

સાઉથની જાણીતી અભિનેત્રી ઐશ્વર્ય દેવન ૨૨ વર્ષની છે, પરંતુ તે ૧૧ ફિલ્મમાં કામ કરી ચૂકી છે. મૂળ મલયાલમ ભાષી ઐશ્વર્યની અત્યાર સુધીની ફિલ્મોમાં કન્નડ, તેલુગુ અને તામિલ ભાષાની ફિલ્મો સામેલ છે. તેણે ‘મુઝફ્ફરનગર-૨૦૧૩’ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી. તે કહે છે કે હું સાઉથ અને હિન્દી ફિલ્મો વચ્ચે બેલેન્સ બનાવીને ચાલવા ઈચ્છું છું. હાલમાં ઐશ્વર્ય પાસે બે કન્નડ ફિલ્મ છે તેને પૂરી કર્યા બાદ તે હિન્દી ફિલ્મો પર ફોકસ કરશે.

નાની ઉંમરમાં મોટી સફળતા મેળવી લેનાર ઐશ્વર્ય બોલિવૂડમાં કેટલી કમાલ કરી શકે છે તે તો સમય જ બતાવશે, પરંતુ તેને વિશ્વાસ છે કે કોશિશ કરનારની ઈચ્છા એક દિવસ જરૂર પૂરી થાય છે. તે કહે છે કે હું જાણું છું કે બોલિવૂડમાં હરીફાઈ ખૂબ જ વધારે છે, પરંતુ હું મહેનત પણ કરીશ. મને મારી મહેનત અને કિસ્મત પર વિશ્વાસ છે. એક દિવસ હું બોલિવૂડમાં પણ નામ કરીશ. કેરળની હોવા છતાં પણ ઐશ્વર્ય સારું હિન્દી બોલી લે છે. તે કહે છે કે બેંગલુરુમાં મારા મોટા ભાગના મિત્રો હિન્દી ભાષી હતા. અા ઉપરાંત બાળપણથી જ મને હિન્દી ફિલ્મો જોવાનો શોખ છે. હિન્દી ફિલ્મોના કારણે મારી ભાષા ખૂબ જ સુધરી છે. •

You might also like