પૂર્વ સિરિયામાં હવાઈ હુમલાઃ 26 આતંકી સહિત 54 લોકોનાં મોત

બૈરુત: આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ(આઈએસ)ના આખરી ગઢ ગણાતા પૂર્વ સિરિયામાં ઈરાકને સાંકળતી સરહદ પરના અલ સોઉસા ગામમાં ગઈ કાલે રાતે થયેલા હવાઈ હુમલામાં ૨૬ આતંકવાદી અને ૨૮ નાગરિક અેમ કુલ ૫૪ લોકોનાં મોત થયાં છે.

બ્રિટનની સિરિયાઈ ઓબ્ઝરવેટરી ફોર હ્યુમન રાઈટસના જણાવ્યા અનુસાર ઈરાકની સરહદને સાંકળતા અલ સોઉસા ગામની એક બરફની ફેકટરી પર જ્યારે આ હુમલો થયો હતો ત્યારે ત્યાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. આ ઘટના બાદ ભારે નાસભાગ મચી ગઈ હતી.

જેમાં ૨૬ આતંકવાદી સહિત ૫૪ લોકોનાં મોત થતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ ઉપરાંત અનેક લોકોને ગંભીર ઈજા થઈ છે તેથી હજુ મૃત્યુઆંક વધવાની સંભાવના છે. માર્યા ગયેલા લોકોમાં મોટાભાગના ઈરાકી નાગરિક હતા. જોકે આ અંગે હજુ એ સ્પષ્ટ થયું નથી કે જે વિમાન દ્વારા હુમલો થયો હતો તે ઈરાકની વાયુસેનાનુ હતું કે અમેરિકન નેતૃત્વવાળી ગઠબંધન સેનાનું હતું.?

અત્રે ઉલ્લેખનીય છે કે ઈરાકની વાયુસેનાઅે તાજેતરમાં જ પૂર્વ સિરિયામાં આઈએસના અડ્ડા પર બોંબમારો કર્યો હતો. અા ઉપરાંત અમેરિકન સમર્થિત સેનાઓએ આઈએસને ફરાત નદી પાસે બંને બાજુએથી ઘેરી લીધા છે. જયારે રશિયન સમર્થિત સેનાએ નદીના પશ્વિમ વિસ્તારમાં પણ બંને બાજુએ ઘેરો ઘાલ્યો છે. અલ સોઉસા નદીની પૂર્વ તરફ આવેલુ છે. ૨૦૧૪માં આઈએસએ ઈકાર અને સિરિયાના મોટા વિસ્તારો પર કબજો જમાવી લીધો હતો. પરંતુ ઈરાક સાથે સિરિયામાં પણ હવે તેની પકડ ઘણી કમજોર બની રહી છે.

You might also like