એરપોર્ટ પર પેસેન્જર હજુ ૧૧ મહિના હેરાન થશે

અમદાવાદ: અમદાવાદ એરપોર્ટ ઉપર અાગામી તા. 16 એપ્રિલથી રન વેના રિ કાર્પેટિંગની કામગીરીનો બીજો તબક્કો શરૂ થશે. જે સંભવત: 11 મહિના સુધી ચાલશે. જેના કારણે સવારે 10થી સાંજના 6 દરમિયાનની અાવતી જતી 20 જેટલી ફ્લાઈટને બંધ કરી દેવામાં આવી છે. આ ૧૧ મહિના સુધી સવારે ૧૦.૦૦થી સાંજે ૬.૦૦ સુધી એક પણ ફ્લાઈટ પેસેન્જરોને મળશે નહીં. જેના કારણે પેસેન્જરોની પરેશાનીમાં વધારો થશે. એરપોર્ટ તંત્ર દ્વારા જણાવાયું હતું કે આ ફ્લાઈટને સવારે તેમજ સાંજના સમયે રિ શેડ્યૂલ કરવામાં આવી છે.

અમદાવાદ એરપોર્ટ ઉપર અંદાજે દોઢ દાયકા બાદ રન વે રિ કાર્પેટિંગ કરવાની કામગીરી કરવાનું અાયોજન એરપોર્ટ અોથોરિટી અોફ ઈન્ડિયા દ્વારા હાથ ધરાયું હતું. જે અંતર્ગત એરપોર્ટના રન વેના રિ કાર્પેટિંગની કામગીરી માટે એરપોર્ટ અોથોરિટી દ્વારા રૂ. 47 કરોડના અા કામનું ટેન્ડર બહાર પડાયું હતું. જેને ‍દિલ્હીથી ક્લિયરન્સ મળી જતાં એરપોર્ટના રન વેનું રિ કાર્પેટિંગ ગત તા. 25 ફેબ્રુઅારીથી શરૂ કરવામાં અાવ્યું છે. અા કામગીરી બે તબક્કામાં પૂર્ણ કરવામાં અાવશે.

જેમાં પ્રથમ તબક્કામાં રનવેના રિ કાર્પેટિંગની કામગીરીની સાથે ફ્લાઈટના ટેક અોફ અને લેન્ડિંગની કાર્યવાહી ચાલુ રાખીને કામગીરી હાથ ધરવામાં અાવી રહી છે. પ્રથમ તબક્કાની કામગીરી તા.15 એપ્રિલના રોજ પૂરી થઈ રહી છે. અા કામગીરી પૂર્ણ થતાં બીજા તબક્કાની કામગીરી તા. 16 એપ્રિલથી શરૂ થઈ રહી છે. અા બીજા તબક્કામાં એરપોર્ટના રન વેને સવારે 10થી સાંજના 6 સુધી એટલે કે અાઠ કલાક સુધી બંધ રાખવામાં અાવશે. જેના કારણે અા સમય દરમિયાન અાવતી જતી 20 ફ્લાઈટ્સને રિ શેડ્યૂલ કરવામાં અાવી છે.

જેમાં કેટલીક ફ્લાઈટને સવારે 10 પહેલાં અને કેટલીકને સાંજે 6 વાગ્યા બાદ રિ શેડ્યૂલ કરાઈ છે. એરપોર્ટ રન વેના રિ કાર્પેટિંગની બીજા તબક્કાની કામગીરી સંભવત: અાગામી માર્ચ 2017 સુધી ચાલશે. જેના કારણે અમદાવાદ એરપોર્ટના પેસેન્જરોને 11 મહિના સુધી પરેશાની વેઠવી પડશે. અા કામગીરી સબબ એરપોર્ટ અોથોરિટી દ્વારા પેસેન્જરોને ચેક ઈન માટે ફ્લાઈટના નિયત સમય કરતાં બે કલાક વહેલા રિપોર્ટિંગ માટે બોલાવવામાં અાવી રહ્યા છે. જેના કારણે પેસેન્જરોની મુશ્કેલીમાં વધારો થયો છે.

અા અંગે અમદાવાદ એરપોર્ટના ડાયરેક્ટર એ. કે. શર્માએ જણાવ્યું હતું કે એરપોર્ટના રન-વેના રિ કાર્પેટિંગની કામગીરીનો બીજો તબક્કો તા.16 એપ્રીલથી શરૂ થશે. જે અાગામી માર્ચ-2017 સુધી ચાલશે. ત્યાં સુધી એરપોર્ટ ઉપર સવારે 10થી 6 દરમિયાન અાવતી જતી 20 જેટલી ફ્લાઈટને રિ શેડ્યૂલ કરવામાં અાવી છે.

You might also like