એરપોર્ટથી પરત ફરી રહેલા યુવાનનું કાર સાથે અપહરણ અને છુટકારો

અમદાવાદ: કડીના લક્ષ્મીપુરા ખાતે રહેતા એક યુવાનનું વહેલી સવારે અણખોલ નજીકથી કાર સાથે અપહરણ થતાં ચકચાર મચી ગઇ હતી, જોકે અપહરણકારો યુવાનને પાલનપુર નજીક છોડી મૂકી કારની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.

આ અંગેની વિગત એવી છે કે કડી નજીક આવેલા લક્ષ્મીપુરા ખાતે રહેતો અને વિઠલાપુર ‌સ્થિત કંપનીમાં નોકરી કરતો મૌલિક પટેલ કારમાં વહેલી સવારે કંપનીના કોન્ટ્રાક્ટરના મિત્રને અમદાવાદ એરપોર્ટ પર મૂકવા આવ્યો હતો. ત્યારબાદ મૌલિક પટેલ વહેલી સવારે ચાર વાગ્યે કડી જવા પરત ફરી રહ્યો હતો ત્યારે અણખોલના પાટિયા પાસે ચાર બુકાનીધારી શખસો તેને રોકી બંદૂક બતાવી ધાક-ધમકી આપી તેનું કાર સાથે અપહરણ કરી નાસી છૂટ્યા હતા.

આ પછી અપહરણકારો મૌલિક પટેલને પાલનપુર નજીક ગાદલવાડા ગામ પાસે રોડ પર ઉતારી રૂ.૯ લાખની કિંમતની લક્ઝુરિયસ કારની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. આ અંગે પોલીસ ફ‌િરયાદ કરવામાં આવતાં પોલીસે નાસી છૂટેલા અપહરણકારોની સઘન શોધખોળ શરૂ કરી છે, પરંતુ હજુ સુધી કોઇ સગડ મળ્યા નથી. પોલીસે અપહરણ અને લૂંટનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like