એરપોર્ટ હોય કે હોટલ, હવે એક જ ભાવે પાણીની બોટલ મળશે

નવી દિલ્હી: હાલ દેશના જુદાં જુદાં સ્થળો પર પીવાનાં પાણીની બોટલ એરપોર્ટ, મોલ, હોટલ્સ, મલ્ટિપ્લેક્સ વગેરેમાં જુદા જુદા ભાવે વેચાય છે. મિનરલ વોટરની બોટલ માટે રૂ. ૫૦થી રૂ. ૬૦ વસૂલવામાં આવે છે, પરંતુ હવે એરપોર્ટ, હોટલ, મોલ, મલ્ટિપ્લેક્સ સહિત તમામ સ્થળે મિનરલ વોટર બોટલ એકસરખા સમાન ભાવે મળશે. એટલે કે એરપોર્ટ, હોટલ અને મોલ જેવા વીવીઆઇપી સ્થળે મિનરલ વોટરની બોટલ માટે વધુ પૈસા વસૂલી શકાશે નહીં. કેન્દ્રીય ખાદ્યપ્રધાન રામવિલાસ પાસવાને ટ્વિટ કરીને આ અંગે જાણકારી આપી છે.

તેમણે પોતાના ટ્વિટમાં જણાવ્યું છે કે જુદાં જુદાં સ્થળોએ વસૂલવામાં આવતી બોટલ બંધ પાણીની કિંમત અંગે ગ્રાહક ફોરમને અનેક ફરિયાદો મળી છે. ફરિયાદની તપાસ કરતા જણાયું છે કે કંપનીઓ દ્વારા સત્તાવાર રીતે મિનરલ વોટરની બોટલ પર અલગ અલગ રેટ પ્રિન્ટ કરવામાં આવે છે. વાસ્તવમાં આ બોટલની કિંમત પ્રતિ લિટર  રૂ. ૧૦ કે ૧૫થી વધુ હોતી નથી. તેમ છતાં પાણીની સુરક્ષા અંગે કોઇ ખાતરી હોતી નથી. અમેરિકામાં પણ ફૂડ એન્ડ ડ્રગ એડ્િમનિસ્ટ્રેશનના કડક માપદંડ હોવા છતાં ૪૦ ટકા બોટલ બંધ પાણી અસુરક્ષિત હોય છે. ભારતમાં પણ આવી જ સ્થિતિ છે.

કેટલાય અભ્યાસ દ્વારા જાહેર થયું છે કે બોટલ બંધ પાણી નિર્ધારિત માપદંડોની કસોટીમાંથી ઊણું ઊતર્યું છે. ઇન્ડિયન સ્ટાન્ડર્ડ બ્યૂરો પાસે બોટલ બંધ પાણીની તપાસ કરવા માટે કોઇ વ્યવસ્થા નથી. ફૂડ રેગ્યુલેટર એફએસએસએઆઇના ડેટા અનુસાર દેશમાં બોટલ બંધ પાણી બનાવતી છ હજાર કંપનીઓ છે, જેમાં માત્ર ૧૫૦૦ પાસે જ એફએસએસએઆઇ પાસે જ લાઇસન્સ છે. વાસ્તવમાં ફૂડ સેફ્ટી કાયદા હેઠલ પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર માટે બીઆઇએસ અને એફએસએસએઆઇ બંને પાસેથી લાઇસન્સ લેવું જરૂરી છે.
http://sambhaavnews.com/

You might also like