લંડન-અમદાવાદની વિમાની સેવાના પ્રવાસીઓને પ્રદિપસિંહે આવકાર્યા

અમદાવાદ: લંડનમાં વસતા ગુજરાતીઓ માટે અમદાવાદ-લંડન- અમદાવાદની સીધી વિમાની સેવાના ભાગરૃપ લંડનથી અમદાવાદ આવતા પ્રવાસીઓને વહેલી સવારે કાયદા વિભાગ તથા બિનનિવાસી ગુજરાતી પ્રભાગના મંત્રી પ્રદિપસિંહ જાડેજા તથા નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી જશાભાઇ બારડે આવકારી શુભેચ્છાઓ પાઠવી હતી.

અમદાવાદ- લંડન- અમદાવાદની સીધી વિમાની સેવાથી લંડનમાં વસતા લાખો ગુજરાતીઓ માદરે વતન સાથે સીધા જ જોડાઇ શકશે તેમ કાયદા મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બ્રિટનમાં વસતા ગુજરાતીઓને અમદાવાદની સીધી કનેક્ટિવિટી મળે તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંજૂરી આપી ગુજરાતને વિશેષ ભેટ ધરી છે. આમ પણ ગુજરાત પ્રવાસીઓનું બેસ્ટ ડેસ્ટિનેશન છે ત્યારે સીધી વિમાની સેવાથી પ્રવાસનને પણ વેગ મળશે.

લંડનથી અમદાવાદ વિમાની પ્રવાસીઓએ વિમાની સેવાની આ કનેકિટવિટી માટે રાજ્ય સરકારને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે, આ કનેકિટવિટીથી ખાસ કરીને બાળકો, વૃદ્ધોને વિશેષ રાહત થઇ છે તેમજ બ્રિટન-ભારતના સંબંધો વધુ મજબૂત બનશે. આ પ્રસંગે મેયર ગૌતમ શાહ સહિત એર ઇન્ડિયાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

You might also like