દિલ્હી એરપોર્ટ પર એર ઇન્ડિયાના વિમાનમાં એકાએક આગ લાગી

દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બુધવારે મોડી રાત્રે એક મોટી દુર્ઘટના નિવારાઇ હતી. એરપોર્ટ પર એર ઇન્ડિયાના બોઇંગ વિમાનમાં એકાએક આગ લાગતાંં સમગ્ર ફલાઇટમાં ધુમાડાના ગોટે ગોટા છવાઇ ગયા હતા. સદનસીબે આ વિમાન જયારે એકાએક ભડભડ સળગવા લાગ્યું હતું ત્યારે તેનું સમારકામ ચાલી રહ્યું હતું અને ફલાઇટમાં કોઇ યાત્રી બેઠા નહોતા.

અહેવાલો અનુસાર એર ઇન્ડિયાની આ ફલાઇટ નં.બી ૭૭૭-ર૦૦ એલઆર દિલ્હીથી અમેરિકાના સાનફ્રાન્સિસ્કો જવાની હતી. જયારે એરપોર્ટ પર જ વિમાનમાં રિપેરિંગ ચાલી રહ્યું હતું ત્યારે તેના પાછળના ભાગમાં એકાએક આગ લાગી હતી. જોકે ફલાઇટમાં હજુ સુધી કોઇ વિમાની યાત્રી બેઠા ન હતા.

વિમાનના સમારકામ બાદ આ ફલાઇટ રવાના થવાની હતી, પરંતુ તે એકાએક આગની જવાળાઓમાં લપેટાઇ જતાં આ ફલાઇટ કેન્સલ થઇ હતી અને સવારે ૧૦-૦૦ વાગ્યાની આસપાસ બીજી ફલાઇટ સાનફ્રાન્સિસ્કો જવા રવાના થઇ હતી.

એર ઇન્ડિયાના જણાવ્યા અનુસાર બુધવારે મોડી રાત્રે વિમાનના એરકન્ડિશનનાં રિપેરિંગ દરમિયાન ઓકઝિલરી પાવર યુનિટમાં આગ લાગી હતી. જોકે થોડી વારમાં આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.

You might also like