એર ઈન્ડિયાના મેનુમાંથી નોનવેજ દૂર કરાયું નથી

નવી દિલ્હી : ટૂંકા સમયની ફલાઈટોના મેનુમાંથી માંસાહારી ભોજન દૂર કરવા અંગેના અહેવાલો વચ્ચે એર ઈન્ડિયાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે તેવું કશું જ કરવામાં આવ્યું નથી. માત્ર મેનુને અપગ્રેડ કરવામાં આવ્યું છે જેથી કરીને શિયાળાના દિવસોમાં મુસાફરોને ઠંડા નાસ્તાની જગ્યાએ ગરમ ચીજવસ્તુઓ પીરસી શકાય.

૨૩ ડિસેમ્બરના પરિપત્રમાં જણાવાયું હતું કે ૯૦ મિનિટથી ઓછા સમયની ફલાઈટના ઈકોનોમિ કલાસના મુસાફરોના મેનુમાં હવે નોન-વેજ ભોજન રહેશે નહીં ! જો કે એર ઈન્ડિયાએ આ વાતને રદિયો આપ્યો છે. એર ઈન્ડિયાના અધિકારીઓનું કહેવું છે કે નોન-વેજ ભોજન માત્ર ૯૦ મિનિટથી વધુ સમયગાળાની ફલાઈટમાં જ સર્વ કરી શકાય છે. તેથી ઓછા સમયની ફલાઈટમાં ઠંડા નાસ્તા આપવામાં આવે છે. હવે તેમાં ગરમ વેજિટેરિયન વસ્તુઓનો સમાવેશ કરવા મળે મેનુને અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે.

નાગરિક ઉડ્ડયન રાજયમંત્રી મહેશ શર્માએ જણાવ્યું હતું કે અત્યાર સુધી જે વ્યવસ્થા ચાલતી રહી છે. તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. માત્ર અપગ્રેડેશન કરવામાં આવ્યું છે. નાસ્તા ઉપરાંત કેટલીક ગરમ ચીજવસ્તુઓ શરૃ કરવામાં આવી છે. વેજ અને નોન-વેજને લઈને કોઈ વિવાદ નથી. શિયાળાને ધ્યાનમાં રાખીને ગરમ ભોજન આપવાની શરૃઆત કરાઈ રહી છે.

You might also like