એર હોસ્ટેસના કોર્સની ફી પાછી આપવા ઈનકાર કરી ધમકી આપી

અમદાવાદ: ધો.૧૦ અને ૧રની પરીક્ષાનું પરિણામ આવ્યા બાદ શહેરમાં અનેક ક્ષેત્રોમાં કારકિર્દી માટેના કોર્સ ચલાવતી સંસ્થાઓ દ્વારા લોકોને ફોન કરીને પોતાની સંસ્થામાં એડમિશન માટે જણાવે છે. લોકો સંસ્થામાં એડમિશન લેવા જાય ત્યારે બધી રીતે તેમનાં બાળકો યોગ્યતા ધરાવતાં હોવાનું જણાવી ફી વસૂલી એડમિશન આપે છે, પરંતુ પાછળથી તેઓ યોગ્ય ન હોવાનું જણાવી દે છે. આવો જ એક કિસ્સો શહેરના કલાપીનગર વિસ્તારમાં રહેતા એડવોકેટની પુત્રી સાથે બન્યો છે.

નવરંગપુરામાં આવેલી વેલો સિટી ઇન્સ્ટિટયૂટ ઓફ હોસ્પિટાલિટી એન્ડ એવિએશન એન્ડ ટ્રાવેલ્સ મેનેજમેન્ટ નામની સંસ્થા દ્વારા ફોન કરી સંસ્થામાં એડમિશન લેવા જણાવ્યું હતું, પરંતુ એડમિશન બાદ યુવતીની હાઇટ અને વજન ઓછું હોવાથી એર હો‌સ્ટેસમાં કારકિર્દી નહીં બનાવી શકે તેમજ તેણે હાઇટ અને વજન વધારવું પડશે તેમ જણાવી દીધું હતું.
કલાપીનગરના ઓમનગર સોસાયટીમાં રહેતા અને વકીલાતનો વ્યવસાય કરતા નરેન્દ્રભાઇ ચૌહાણની નાની પુત્રી પૂજાએ ધો.૧રની પરીક્ષા પાસ કરતાં વેલોસિટી ઇન્સ્ટિટયૂટ દ્વારા તેને ફોન કરી એડમિશન માટે જણાવ્યું હતું. એરહોસ્ટેટસમાં કારકિર્દી બનાવવા તેઓ મળવા ગયા ત્યારે ઇન્સ્ટિટયૂટના જાનકીબહેન શર્મા અને કિરણબહેને પૂજાની હાઇટ અને વજન યોગ્ય હોવાનું તેમજ સુંદર દેખાતી હોવાથી ૧૦૦ ટકા એરહોસ્ટેટસની નોકરી મળશે તેમ કહી એડમિશનના રૂ.૭૦,૦૦૦ માગ્યા હતા. નરેન્દ્રભાઇએ ટુકડે ટુકડે કુલ રૂ.૪પ,૦૦૦ ઇન્સ્ટિટયૂટમાં ફી પેટે ભરતાં પૂજાનો કોર્સ શરૂ થઇ ગયો હતો.

એક મહિના બાદ કિરણબહેન અને જાનકીબહેને પૂજાને હાઇટ અને વજન ઓછું છું તારે તેને વધારવું પડશે અને જિમ પણ જોઇન કરવું પડશે તેમ કહ્યું હતું. આ અંગે નરેન્દ્રભાઇ જાનકીબહેનને મળવા ગયા ત્યારે હાઇટ નહીં વધે તો કોઇ ફાયદો નહીં થાય તેમ જણાવતાં નરેન્દ્રભાઇએ ફી પાછી માગતાં બંને બહેનો ઉશ્કેરાઇ ગઇ હતી. તમારા જેવા ઘણા લોકો અમારી સંસ્થામાં આવે છે. પોલીસ અને રાજકીય વગ ધરાવીએ છીએ અને સંસ્થામાં ભાગીદાર છે. અમારું કશું જ નહીં બગાડી શકો ની ધમકી આપી હતી. આ અંગે નવરંગપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like