એરફોર્સ સ્ટેશનના સ્ટોરમાંથી મોનિટર અને સીપીયુ ચોરાયાં

અમદાવાદ: ગાંધીનગરના ચિલોડા રોડ પર આવેલ એરફોર્સ સ્ટેશના વાયુશક્તિનગરમાં એસએમએનસીઓ મેસના સ્ટોરમાં રાખેલા કમ્પ્યૂટર સેટમાંથી પાંચ મોનિટર અને ચાર સીપીયુ મળી કુલ રૂ.૧.૯૬ લાખની ચોરી થઇ હોવાની ફરિયાદ ચિલોડા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. આસિસ્ટન્ટ સિકયોરિટી ઓફિસરની ફરિયાદના આધારે ચિલોડા પોલીસ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ અંગેની વિગત એવી છે કે ગાંધીનગર એરફોર્સ સ્ટેશનમાં આવેલા સિનિયર નોન કમિશનરેડ ઓફિસરના મેસના સ્ટોરમાં કુલ ૬ર૧ જેટલા કમ્પ્યૂટરના સેેટ મૂકેલા હતા. ૧૭ ફેબ્રુઆરી ર૦૧૭થી ર૦ ફેબ્રુઆરી ર૦૧૭ દરમિયાન મેસના સ્ટોર રૂમનું તાળું તોડી કોઇ અજાણી વ્યકિતએ પાંચ મોનિટર અને ચાર સીપીયુ વગેરે મળીને કુલ રૂ.૧.૯૬ લાખની મતાની ચોરી કરી હતી.

આ અંગે અંગે બોઇસ્ટિક વિભાગના અધિકારીએ આસિસ્ટન્ટ સિકયોરિટી ઓફિસર અશોકકુમાર તિવારીને જાણ કરી હતી. એરફોર્સમાં વગર પરવાનગીએ કોઇ પણ વ્યકિતને અંદર પ્રવેશ નથી અપાતો. છતાં કોઇ અજાણી વ્યકિત એરફોર્સના સ્ટોર રૂમનું તાળું તોડી ચોરી કરી ફરાર થઇ જતાં સિકયોરિટી પર સવાલો ઊભા થયા છે. ચિલોડા પોલીસ સ્ટેશનના પીઆઇએલ.ડી. વાઘેલાએ જણાવ્યું હતું કે આ અંગે ગઇ કાલે ફરિયાદ આપવામાં આવી છે. હાલ આ અંગે તપાસ ચાલુ છે.
http://sambhaavnews.com/

You might also like