વાયુસેનાના શહીદ ગરુડ કમાન્ડો નિરાલાને ‘અશોકચક્ર’ મળશે

નવી દિલ્હી: આવતી કાલે ગણતંત્ર દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પહેલીવાર વાયુસેનાના શહીદ ગરુડ કમાન્ડો જે.પી.નિરાલાને શાંતિકાળનો સૌથી મોટો વીરતા પુરસ્કાર અશોકચક્ર આપીને સન્માન કરશે. શહીદ ગરુડ કમાન્ડો નિરાલાને મરણોપરાંત અશોકચક્રથી નવાજવામાં આવશે.જોકે તેની સત્તાવાર જાહેરાત આજે સાંજે કરવામાં આવશે.

ભારતીય ઈતિહાસમાં આવી પહેલી ઘટના છે કે જેમાં કોઈ ગરુડ કમાન્ડોને અશોક ચક્ર આપીને સન્માન કરવામા આવશે. ગરૂડ કમાન્ડો જે પી નિરાલાને ત્રણ માસ પહેલાં જ આતંકવાદ વિરોધી અભિયાન હેઠળ સ્પેશિયલ ડયુટી પર કાશ્મીરના હાજિનમાં સેના સાથે મૂકવામાં આવ્યાં હતાં.

શ્રીનગરમાં આ ઓપરેશન હેઠળ સેના તરફથી કરવામાં આવેલી કાર્યવાહીમાં આતંકી મસૂદ અઝહરનો ભત્રીજો તલ્હા રશીદ ઠાર મરાયો હતો. સુરક્ષા દળોેને હાજિન વિસ્તારના ચંદરગીર ગામમાં આતંકીઓ છુપાયાના બાતમી મળી હતી. તેના આધારે સેનાએ ઘેરાબંધી કરી તપાસ અભિયાન ચલાવ્યું હતું.

આ દરમિયાન સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થતાં નિરાલા આતંકીઓ પર એકે-૪૭ લઈને તૂટી પડ્યા હતા અને ત્રણ આતંકીને ઠાર કરી નાખ્યા હતા. જોકે બાદમાં નિરાલા પણ શહીદ થયા હતા. નિરાલા રોહતાસના રહીશ હતા. તેઓ ૨૦૦૫માં વાયુસેનામાં સામેલ થયા હતા. ૨૦૧૭માં આતંકીઓ સામેની લડાઈમાં ત્રણ ગરુડ કમાન્ડો શહીદ થયા હતા.

You might also like