એર ચીફ માર્શલ ધનોવાએ એકલા હાથે મિગ-૨૧ ઉડાડ્યું

જોધપુર: એર ચીફ માર્શલ બન્યા બાદ બી.એસ. ઘનોવાએ પ્રથમવાર અડધો કલાક સુધી એકલા એમઆઈજી-૨૧ વિમાન ઉડાડ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી મિગ-૨૧ વિમાનો અવારનવાર અકસ્માતનો ભોગ બન્યા છે અને તેથી આ ફાઈટર પ્લેનને ‘ફ્લાઈંગ કોફિન’ ગણવામાં આવે છે. ઘનોવા બુધવારે ઉત્તર લાઈન એરબેઝ પર પહોંચ્યા હતા. એર ચીફ માર્શલ બન્યા બાદ તેમનો એરબેઝનો આ પ્રથમ પ્રવાસ હતો. અહીં તેઓ ત્રણ દિવસ રોકાશે અને એરબેઝમાં એરફોર્સની તૈયારીઓની સમીક્ષા કરશે.

એરબેઝમાં ઊભેલા મિગ-૨૧ને જોઈને તેમની યાદો તાજી થઈ ગઈ હતી અને તેમણે તેમાં ઉડાન ભરવાનો નિર્ણય કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ઈન્ડિયન એરફોર્સ પાસે હજુ પણ મિગ કેટેગરીનાં અનેક વિમાન છે. એર ફોર્સમાં પોતાના ૩૭ વર્ષના કાર્યકાળ દરમિયાન ઘનોવા લાંબા સમય સુધી મિગ વિમાનો ઉડાડવાનો અનુભવ ધરાવે છે. આ અગાઉ એર ચીફ માર્શલ રહેલા એ.વાય. ટિપ્પણીસ અને દિલબાગસિંહે મિગ-૨૧ વિમાન ઉડાડ્યાં હતાં. ટિપ્પણીસ ૧૯૯૮થી ૨૦૦૧ સુધી એર ચીફ માર્શલ રહ્યા હતા. તેમણે મિગ-૨૧ને સુરક્ષિત હોવાનું જણાવ્યું હતું.
http://sambhaavnews.com/

You might also like