અમેરિકન ડ્રોન્સને ફૂંકી મારવાનો પાક.ના એર ચીફ માર્શલનો આદેશ

ઈસ્લામાબાદ: પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે તિરાડ સતત વધી રહી છે. હવે પાકિસ્તાનના એરફોર્સના વડા સોહેલ અમાને પાકિસ્તાની એરસ્પેસનું ઉલ્લંઘ નકરનાર અમેરિકન ડ્રોન્સને ફૂંકી મારવાનો આદેશ કર્યો છે. પાકિસ્તાની એરફોર્સના વડા સોહેલ અમાને પોતાની સેનાને આદેશ કર્યો છે કે પાકિસ્તાની એરસ્પેસનું ઉલ્લંઘન કરનાર કોઈ પણ ડ્રોન્સને ફૂંકી મારવામાં આવે પછી ભલેને તે અમેરિકાનું ડ્રોન કેમ ન હોય?

આ જાહેરાતનો ઘટસ્ફોટ ત્યારે થયો જયારે બે અઠવાડિયાં પહેલાં અમેરિકન ડ્રોને અફઘાન સીમા પર પાકિસ્તાનના આદિવાસી વિસ્તારમાં એક આતંકી છાવણીને નિશાન બનાવ્યું હતું. આ ડ્રોન હુમલામાં ત્રણ આતંકીઓ માર્યા ગયા હતા.

અહેવાલો અનુસાર પાકિસ્તાને હંમેશાં પોતાની ધરતી પર ડ્રોન હુમલાનો વિરોધ કર્યો છે, પરંતુ આ અગાઉ ક્યારેય એ‍વું કહેવાની હિંમત કરી ન હતી કે ડ્રોનને (યુએવી)ને તોડી પાડવામાં આવે.

ઈસ્લામાબાદમાં એક કાર્યક્રમને સંબોધતાં પાકિસ્તાનના એર ચીફ માર્શલ સોહેલ અમાને જણાવ્યું હતું કે અમે કોઈને પણ અમારી એરસ્પેસનું ઉલ્લંઘન કરવા દઈશું નહીં. મેં પાકિસ્તાની એરફોર્સને ડ્રોન્સને ફૂંકી મારવાના આદેશ કર્યા છે, પછી ભલે તે ડ્રોન અમેરિકાનું કેમ ન હોય ? જો તેઓ અમારી એરસ્પેસમાં પ્રવેશ કરશે અને દેશના સાર્વભૌમત્વ સામે ખતરો બનશે તો અમે ડ્રોન્સને ફૂંકી મારીને તોડી પાડીશું.

અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની એર ચીફ આતંકી અડ્ડાઓ પર અમેરિકાના મિસાઈલ હુમલાને પાકિસ્તાનની સ્વાયત્તતાનાં ઉલ્લંઘન તરીકે ગણે છે. ૨૦૦૪થી આ સ્વાયત્તતાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. ૩૦ નવેમ્બર ૨૦૧૭ સુધી પાકિસ્તાનમાં તમામ ડ્રોન હુમલા સીઆઈએએ કર્યા હતા.

પ્રત્યેક અમેરિકન ડ્રોન હુમલા બાદ પાકિસ્તાનનું વિદેશ મંત્રાલય તેને વખોડી કાઢતું નિવેદન જારી કરે છે કે તે પોતાની ધરતી પર આ પ્રકારના હુમલાઓને મંજૂરી આપશે નહીં. મીડિયા રિપોર્ટ અનુસાર મહિલાઓ અને બાળકો સહિત સેંકડો નાગરિકો ડ્રોન હુમલાની ઝપેટમાં આવે છે. સાથે જ આતંકી જૂથોના વરિષ્ઠ સૂત્રધારો પણ તેના નિશાન બને છે.

You might also like