એક એરબેઝ પર હુમલો કરવાની સાજિશ હતીઃ આતંકીની કબૂલાત

નવી દિલ્હી: નવી દિલ્હી અને ઉ.પ્ર.ના દેવબંદમાંથી બુધવારે ધરપકડ કરવામાં આવેલા આતંકી સંગઠન જૈશ-એ-મહંમદ મોડ્યુલના ૧૩ શકમંદ આતંકીઓની સઘન પૂછપરછ જારી છે. આ પૂછપરછ દરમિયાન તેમણે કેટલાક ચોંકાવનારા ઘટસ્ફોટ કર્યા છે. સાજિદ નામના એક શખસને જૈશ-એ-મહંમદ સાથે સંકળાયેલા ગ્રૂપનો સૂત્રધાર હોવાનું જણાવાયું છે. સાજિદે જણાવ્યું હતું કે તેઓ એક એરબેઝ પર હુમલો કરવાની સાજિશ ઘડી રહ્યા હતા.

સાજિદે પોલીસને જણાવ્યું હતું કે તે ડાન્સર બનવા માગતો હતો. તેના જણાવ્યા અનુસાર તેણે એક ડાન્સ રિયાલિટી શોના ઓડિશનમાં ભાગ પણ લીધો હતો, પરંતુ એક મૌલાનાની જાળમાં ફસાઈને તે ત્રાસવાદના માર્ગે આગળ વધી ગયો હતો. સાજિદના જણાવ્યા અનુસાર તેણે વોટ્સએપ ગ્રૂપ દ્વારા બોમ્બ બનાવવાની તાલીમ મેળવી હતી.

સાજિદના જણાવ્યા અનુસાર તે એક િદવસ જ્યારે પાર્કમાં ડાન્સની પ્રેક્ટિસ કરી રહ્યો હતો તે દરમિયાન એક મૌલાના ત્યાં આવ્યા હતા. આ મૌલાનાએ મ્યુઝિક બંધ કરી દીધું અને સાજિદને જણાવ્યું કે આ ડાન્સ અને મ્યુઝિક તને નર્કમાં લઈ જશે. તારી જિંદગીનો સાચો મકસદ જન્નતમાં જવાનો હોવો જોઈએ. મૌલાનાએ થોડી મુલાકાતો બાદ તેનું બ્રેઈન વોશ કરી નાંખ્યું અને તેમણે કેટલીક ભડકાઉ કન્ટેન્ટ ધરાવતી વેબસાઈટનાં નામ આપ્યાં હતાં. ધીમે ધીમે સાજિદ આ જાળમાં ફસાતો ગયો અને થોડા જ મહિનામાં ત્રાસવાદી બની ગયો.

સાજિદે વધુમાં જણાવ્યું હતું કે તે અને અન્ય શકમંદ આતંકીઓ વોટ્સએપ ગ્રૂપ દ્વારા જોડાયેલા હતા અને આ ગ્રૂપનો એડમિન તાલ્હા નામનો પાકિસ્તાની શખસ છે. તાલ્હા જૈશ-એ-મહંમદના સૂત્રધાર મૌલાના મસૂદ અઝહરનો પુત્ર છે. આ ગ્રૂપ દ્વારા સાજિદે બોમ્બ બનાવવાની જાણકારી મેળવી હતી.

સાજિદ અને અન્ય આતંકી શાકિરને ટ્રેનિંગ માટે પાકિસ્તાન પણ બોલાવવામાં આવ્યા હતા, પરંતુ સાજિદને પાસપોર્ટ મેળવવામાં મુશ્કેલી પડી રહી હતી. આ લોકો એરબેઝ પર હુમલો કરવાની સાજિશ ઘડી રહ્યા હતા.

You might also like