યુએઈ અને દુબઈમાં પૂરથી ભારે તબાહીઃ ઓમાનમાં ત્રણનાં મોત

દુબઈ: યુએઈ અને દુબઈમાં હવામાનમાં આવેલા આકસ્મિક પલટાથી ભારે વરસાદ બાદ આવેલાં પૂરથી શહેરના મુખ્ય રોડ નદીમાં ફેરવાઈ ગયા હતા. જેના કારણે ગુરુવારે શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. દુબઈમાં માત્ર સાત કલાકમાં 257 જેટલા માર્ગ અકસ્માત થયા હતા. ભારે વરસાદ અને તોફાનના કારણે ઓમાનમાં ત્રણ લોકોનાં મોત થયાં છે.  યુએઈમાં ગઈ કાલે સવારે 11 કલાકે એકાએક પલટાયેલા હવામાન બાદ ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો. જેના કારણે થોડા જ કલાકોમાં રોડ પર પાણી ભરાઈ ગયાં હતાં. સાંજ સુધીમાં સ્થિતિ વધુ વણસતા સરકારે ગુરુવારે શાળાઓમાં રજા જાહેર કરી દીધી હતી. યુએઈ ઉપરાંત ઓમાનમાં પણ તોફાન અને વરસાદને કારણે મચેલી તબાહીમાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં. સતત વરસાદથી અબુધાબીમાં સ્ટોક માર્કેટ બંધ કરી દેવામાં આવ્યું હતું. આ માર્કેટમાં મોટાભાગે પામ ટ્રી હોવાથી તે તૂટીને રોડ પર આવી ગયાં હતાં.

આ ઉપરાંત અબુધાબીમાં પણ ભારે વરસાદથી અનેક ફલાઈટ રદ કરી દેવામાં આવી હતી અથવા તો રોકી દેવામાં આવી હતી. તોફાનને કારણે અનેક એર ક્રાફ્ટને નુકસાન થયું છે. તેની તપાસ કરવામાં આવ્યા બાદ જ તેને ઉડ્ડયન કરવા દેવામાં આવશે. દરમિયાન હવામાન વિભાગે જણાવ્યું છે કે આજે પણ દુબઈમાં હવામાન યથાવત્ રહેશે. દુબઈમાં વરસાદે ભારે તબાહી મચાવી છે. જેમાં પ્રતિ કલાક 126 કિમીની ઝડપે આંધી ફૂંકાયા બાદ વરસાદ થયો હતો. જેના કારણે રોડ પર ચાર ફૂટ પાણી ભરાઈ ગયું છે. અલ સુહેબમાં 240 ક્યુબિક મિલીમીટર વરસાદ નોંધાયો છે. સતત વરસાદ અને ઝાંખા પ્રકાશથી સાત કલાકમાં 257 જેટલા રોડ અકસ્માત થયા છે. આ દરમિયાન પોલીસને 3200 ફોન મળ્યા છે. પાણી ભરાઈ જતાં ઈન્ટરનેશનલ એરપોર્ટ અને સ્ટોક માર્કેટ બંધ કરવાની ફરજ પડી હતી.

You might also like