હવે દાંત ખરાબ થશે તો અસલી દાંત ફરી આવશે

નવી દિલ્હી, બુધવાર
મેડિકલ સાયન્સમાં સતત નવાં સંશોધનો થતાં રહે છે. આગામી દિવસોમાં શકય છે કે ખરાબ દાંતના બદલે બનાવટી દાંત લગાવવાની જરૂર નહીં પડે. એઇમ્સના ડેન્ટલ સેન્ટરના પ્રમુખ ડો.ઓ.પી.ખરબંદાએ જણાવ્યું કે લંડનની કિંગ્સ કોલેજમાં સ્ટેમ સેલમાંથી અસલી દાંત તૈયાર કરવાનું સંશોધન થયું છે. તેના પરિણામો ઉત્સાહજનક છે. સ્ટેમ સેલથી દાંત ફરી તૈયાર કરવાની શકયતાઓ વધી ગઇ છે.

તેમણે કહ્યું કે એઇમ્સના ડેન્ટલ સેન્ટરમાં દેશનું અત્યાધુનિક સંશોધન કેન્દ્ર બનાવાશે. જેમાં સ્ટેમ સેલ્સ રિજનરેટિંગ ડેન્ટિસ્ટ્રી વિભાગ હશે. જેમાં સ્ટેમ સેલમાંથી નવા દાંત તૈયાર કરવાની શકયતાઓ પર સંશોધન કરાશે. કેન્દ્ર સરકારે પણ આ અત્યાધુનિક સંશોધન કેન્દ્ર બનાવવાની વાતને સ્વીકૃતિ આપી દીધી છે. લગભગ રૂ.૬૦ કરોડની કિંમતથી તે બે વર્ષમાં બનીને તૈયાર થશે.

દાંતના ઇલાજમાં ઉપયોગમાં લેવાતા મોટા ભાગના ઇમ્પ્લાન્ટ વિદેશમાં તૈયાર થાય છે તેથી તેની કિંમત વધુુ હોય છે. આવા સંજોગોમાં સ્વદેશી ઉપકરણોને તૈયાર કરવા પર ભાર મુકાશે. આ ઉપરાંત ડિજિટલ ડેન્ટિસ્ટ્રીની સુવિધા પણ ઉપલબ્ધ હશે. જેનાથી થ્રીડી ટેકનિક દ્વારા દર્દીના મોંની અંદર દાંતની બીમારીઓની જાણકારી મેળવવી સરળ બનશે.

ડોકટરોના જણાવ્યા અનુસાર બનાવટી દાંત લાગતા દર્દીઓને ફાયદો થાય છે, પરંતુ તેની સાફ સફાઇ પર વિશેષ ધ્યાન આપવું પડે છે. કારણ કે તેમાં ઇન્ફેકશનનો ખતરો રહે છે. તેથી જો સ્ટેમ સેલથી દાંતને તૈયાર કરવાનું સંશોધન સફળ રહ્યું તો દાંતના દર્દીઓને ખૂબ જ ફાયદો થશે.

You might also like