PMKની માગણીથી ભાજપ અને AIADMKના ગઠબંધન પર સંકટ

(એજન્સી) નવી દિલ્હી: તામિલનાડુમાં ભાજપ અને એઆઇએડીએમકેનું જોડાણ ઘોંચમાં પડયું છે. પીએમકેની ડિમાન્ડને કારણે આ જોડાણમાં અવરોધ ઊભો થયો છે અને આજનો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો ચેન્નઇ પ્રવાસ રદ કરવામાં આવ્યો છે.

સોમવારે મહારાષ્ટ્રમાં શિવસેના સાથે ગઠબંધનની સત્તાવાર જાહેરાત કર્યા બાદ આજે અમિત શાહે તામિલનાડુમાં ઓલ ઇન્ડિયા અન્નાદ્રવિડમુનેત્રકઝગમ (એઆઇએડીએમકે) સાથે ગઠબંધનની ચેન્નઇમાં જાહેરાત કરવાના હતા. આ ગઠબંધનમાં પીએમકે અને ડીએમડીકે જેવા પક્ષોને પણ જોડવાની વાત હતી, પરંતુ અમિત શાહ ચેન્નઇ પહોંચે તે પહેલાં પીએમકેએ કેટલીક શરતો સાથે પોતાની માગણી રજૂ કરતાં એઆઇએડીએમકે સાથે ગઠબંધન કરવાની યોજના પર પાણી ફરી વળ્યું હતું.

પીએમકેએ ગઠબંધનનો ભાગ બનવા માટે લોકસભાની પાંચ અને રાજ્યસભાની એક બેઠક માટે માગણી કરી છે. જ્યારે ભાજપ અને એઆઇએડીએમકે તેમને માત્ર લોકસભાની ત્રણ જ બેઠક આપવા તૈયાર છે. આ સંજોગોમાં આજે ભાજપ અને એઆઇએડીએમકેના ગઠબંધનની જાહેરાત ઘોંચમાં પડી છે અને અમિત શાહે ચેન્નઇ જવાનો કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે.

તામિલનાડુમાં ભાજપ, એઆઇએડીએમકે, પીએમકે અને ડીએમડીકે સાથે અન્ય કેટલાક પક્ષો પણ ચૂંટણી મેદાનમાં ઊતરશે. ભાજપના અધ્યક્ષ અમિત શાહ તામિલનાડુમાં એઆઇએડીએમકે સહિત નાના પક્ષો સાથે ગઠબંધનની જાહેરાત કરવાના હતા. એ પહેલાં એવા સમાચાર આવ્યા હતા કે ભાજપ અને એઆઇએડીએમકે સહિત બાકીના પક્ષો વચ્ચે સીટ શેરિંગ ફોર્મ્યુલા પણ નક્કી થઇ ગઇ છે.

આ ફોર્મ્યુલા અનુસાર રાજ્યની કુલ ૩૯ લોકસભા બેઠકમાંથી એઆઇએડીએમકેને સૌથી વધુ રપ બેઠક મળવાની હતી. એઆઇએડીએમકે પોતાના કવોટાની રપ બેઠકમાંથી જી.કે.વાસનની ટીએમસી, એન રંગાસ્વામીની એનઆરસી અને કે.કૃષ્ણાસ્વામીની પીટી જેવા પક્ષોને બેઠક આપનાર હતા. જ્યારે ભાજપના કવોટામાં માત્ર ૧૪ બેઠક આવી હતી. જેમાંથી ભાજપને ૮, પીએમકેને ૩ અને ડીએમડીકેને ૩ બેઠક આપવાની હતી, પરંતુ પીએમકેએ વધુ બેઠકો માગતા મામલો ગૂંચવાયો છે.

You might also like