એક દિવસના બ્રેક બાદ ફરી અમદાવાદીઓ બેન્કની લાઈનમાં

અમદાવાદ:ગઇ કાલે રવિવારે બેન્ક બંધ રહ્યા બાદ આજે બેન્ક ખૂલતાં લોકો વહેલી સવારથી જ નોટ બદલાવવા બેન્કની બહાર લાઇનમાં લાગી ગયા હતા. રૂ.ર૦૦૦ સુધીની મર્યાદામાં જ રૂપિયા ઉપાડી શકાતા હોવા છતાં લાઇન જોવા મળતી હતી. બીજી તરફ આરબીઆઇ દ્વારા બેન્કને જે નવી નોટ અપાઇ છે તે માત્ર ૬૦ ટકા જેટલી જ આવી હોવાથી બપોર બાદ બેન્કમાં કેશ ખૂટે તેવી સંભાવના જણાઇ રહી છે. ગઇ કાલે રવિવાર હોવાથી બેન્ક બંધ હોઇ લોકોએ પૈસા ઉપાડવા માટે ATMનો સહારો લીધો હતો. પરંતુ મોટાં ભાગનાં ATM ખાલી જોવા મળ્યાં હતાં. અમુક બેન્કે તો ATM જ બંધ કરી દીધાં હતાં. જે ATMમાં પૈસા હતા તેની બહાર લાઇનો લાગી હતી. થોડા સમયમાં જ ATMમાંથી પૈસા ખૂટી ગયા હતા.
આજથી બેન્ક શરૂ થતાં લોકો બેન્કની બહાર લાઇન લગાવી ઊભા રહ્યા હતાં. સિનિયર સિટીઝન પણ અલગ લાઇનમાં પૈસા બદલાવવા ઊભા રહી ગયા હતા. જોકે બેન્કમાં કેશ ખૂટી જવાના રોજનાં ધાંધિયાં હોઇ લોકો હવે પોતાનો વારો પહેલો આવે તેથી વહેલી સવારથી જ લાઇનમાં ઊભા રહી જાય છે.

અા અંગે મહાગુજરાત બેંક એમ્પ્લોઈઝ એસોસીએશનના પ્રેસિડેન્ટ રાગેશભાઈ સરૈયાએ જણાવ્યું કે અાજે સવારે અારબીઅાઈમાંથી નાણાનો ફ્લો બેંકોમાં જે રીતના પહોંચવો જોઈએ તેની ગતિ ખૂબ જ ધીમી જોવા મળી રહી છે. જો કે નોટો બદલાવવા અાવનાર લોકોની સંખ્યામાં ઘટાડો થતાં લાઈન ઘટી રહી છે. જે એક રાહતના સમાચાર ગણાઈ શકાય. એજ પ્રમાણે અાજ બપોર પછી કે અાવતીકાલ સુધીમાં અારબીઅાઈમાંથી નોટો અાવવાની સાથે જ અાવતીકાલે વધુ રાહત જોવા મળે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

visit: sambhaavnews.com

You might also like