‘પદ્માવત’ વિરોધ મામલે DGPનું જાહેરનામું, વિરોધ કરનારાઓ સામે લેવાશે પગલાં

‘પદ્માવત’ ફિલ્મનો વિરોધ દેશભરમાં થઈ રહ્યો છે, તેમાં ગુજરાત પણ જરાય પાછું રહ્યું નથી. ગુજરાતમાં સતત આ ફિલ્મનો વિરોધ થઈ રહ્યો છે. ગુજરાતના થિએટરોના માલિકોએ પણ આ ફિલ્મ રિલીઝ નહીં કરવાનો નિર્ણય લીધો છે.

ઉપરાંત સુપ્રિમ કોર્ટે પણ ફિલ્મ રિલીઝ કરવાના આદેશ આપી દીધા છે, તેમ છતાં રાજ્યમાં રાજપૂત સંગઠનો આ ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે. રાજ્યભરમાં અનેક જગ્યાઓએ શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

સાણંદમાં ફિલ્મના વિરોધમાં બે બસો સળગાવવામાં આવી છે. અમદાવાદના નિકોલમાં પણ રાજહંસ થિએટરમાં ફિલ્મની રિલીઝ પહેલા જ કરણીસેનાના કાર્યકરોએ તોડફોડ કરી હતી. જો કે હવે તંત્રે આ પગલે કડક પગલાં લેવાનો નિર્ણય કર્યો છે.

અમદાવાદના DGPએ આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. DGPએ આ મામલે કડક પગલાં લેવાશે તેવું આશ્વાસન આપ્યું છે. DGPએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી જાહેરનામું બહાર પાડ્યું હતું અને કહ્યું હતું કે, ‘થિએટરના માલિકોએ પણ રિલીઝ કરવાની ના પાડી છે, તેમ છતાં આ વિરોધ કરવો યોગ્ય નથી. પબ્લિક પ્રોપર્ટીને નુકશાન પહોંચાડી શકાય નહીં. બસોને સળગાવવામાં આવી રહી છે, તેના કારણે સામાન્ય પ્રજાને હાલાકી ભોગવવી પડી રહી છે. જે યોગ્ય નથી. બસો સળગાવનારાઓ સામે પગલાં લેવાશે.’

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધી વિરોધ મામલે રાજ્યભરમાં 15 ગુના નોંધાયા છે, જેના પર કાર્યવાહી કરવામાં આવશે. પોલીસનું પેટ્રોલિંગ સતત વધારવામાં આવી રહ્યું છે. પેટ્રોલિંગવાળી ગાડીઓમાં વીડિયોગ્રાફીની સુવિધા પણ આપવામાં આવી છે, જેથી ગુનેગારો બચી શકશે નહીં. તમામ વિરોધીઓ સામે પગલાં લેવાશે.

You might also like