અમદાવાદઃ શહેરના 90 રોડ તૂટ્યા, 30 રોડમાંથી 26 રોડના નમૂના ફેલ, તંત્ર પડ્યું ઉઘાડું

ચાલુ વર્ષના ચોમાસાના પહેલા રાઉન્ડના સામાન્ય વરસાદમાં શહેરભરના રસ્તા તૂટતાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને શાસક ભાજપ પક્ષની આબરૂના લીરેલીરા ઊડ્યા હતા. તૂટેલા રોડના મામલે બેફામ ભ્રષ્ટાચાર આચરાયો હોવાની પ્રબળ લોકલાગણીથી ગાંધીનગર સુધી આની ગંભીરતાથી નોંધ લેવાઇ હતી.

પ્રદેશ ભાજપના રાષ્ટ્રીય સ્તરના નેતાઓને પણ ૧પ ઓક્ટોબર સુધીમાં શહેરના રસ્તા ચકાચક થઇ જશે તેવું આશ્વાસન આપવું પડ્યું હતું. તૂટેલા રોડના નમૂના લેવાની કામગીરી હેઠળ તંત્રની સમક્ષ ૩૦ તૂટેલા રોડ પૈકી ર૬ના નમૂના નિષ્ફળ નીવડ્યા હોવાનો ચોંકાવનારો રિપોર્ટ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૂટેલા રોડના સંદર્ભે હજુ સુધી આંખે ઊડીને વળગે તેવી શિક્ષાત્મક કાર્યવાહી કોઇની સામે કરાઇ નથી. અગાઉ ત્રણ કોન્ટ્રાક્ટરને ત્રણ વર્ષ માટે બ્લેક લિસ્ટ કરાયા બાદ તંત્ર દ્વારા અન્ય કોઇ કોન્ટ્રાકટર સામે હજુ સુધી લાલ આંખ કરાઇ નથી.

જ્યારે રોડ પ્રોજેક્ટ વિભાગના સિટી ઇજનેર અને જે તે ઝોનના એડિશનલ સિટી ઇજનેરની રોડની ગુણવત્તા જાળવવાની સીધી જવાબદારી બનતી હોવા છતાં સત્તાવાળાઓએ તૂટેલા રોડના ભ્રષ્ટાચાર અંગે આજદિન સુધી એક પણ ઇજનેરને સાદી શો-કોઝ નોટિસ પણ ફટકારી નથી. ફકત આઇઓસીના બોગસ બિલના કૌભાંડ મામલે વહીવટીતંત્ર અગાઉ હરકતમાં આવ્યું હતું.

દરમિયાન ખુદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સર્વે મુજબ શહેરના ૯૦ રોડ તૂટ્યા હોઇ આ તૂટેલા રોડના નમૂના લઇને એલડી એન્જિનિયરિંગ કોલેજ, ગેરી અને એફએસએલમાં તપાસવા માટે મોકલવાની કામગીરી ચાલી રહી છે. જે પૈકી ૩૦ રોડના નમૂનાનો રિપોર્ટ આવ્યો હોઇ તેમાંથી ર૬ રોડના નમૂના નિષ્ફળ નીવડ્યા છે, જોકે જે તે સંસ્થા કે લેબ તરફથી રિપોર્ટમાં પણ વિલંબ થઇ રહ્યો છે.

આ દરમિયાન આજે તૂટેલા રોડના સંદર્ભે હાઇકોર્ટમાં સુનાવણી હોઇ તંત્રમાં દોડધામ મચી છે, પરંતુ આજે આ મામલો વિલંબ મુકાય અને આવતા અઠવાડિયે વધુ સુનાવણી હાથ ધરાય તેવી શક્યતા છે.

You might also like