અમદાવાદના અમરનાથ યાત્રી શ્રીનગર નજીક ફસાયાઃ ફ્રૂટ ખાઈને ટેન્ટમાં રહેવા મજબૂર

અમદાવાદ: જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલી હિંસાને પગલે અમરનાથ યાત્રામાં ગયેલા હજારો ગુજરાતીઓ જમ્મુથી બાલતાલ સુધીમાં ફસાઇ ગયા છે. બહેરામપુરાના પરિિક્ષતનગરથી અમરનાથ ગયેલા ૧૮ લોકોના ગ્રૂપ સહિત અમદાવાદના ૪૦ લોકો હાલ ત્યાં ટેન્ટમાં આશરો મેળવ્યો છે. ગ્રૂપમાં ગયેલા સભ્યોના પરિવારજનોના જણાવ્યા મુજબ તેઓને દિવસ-રાત ટેન્ટમાં જ બેસી રહેવું પડે છે. દિવસે જમવાનું પણ મળતું નથી. માત્ર ફ્રૂટ ખાઇને ચલાવવું પડે છે.
છેલ્લા ૪૮ કલાકથી જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં થયેલી હિંસા અને તણાવભરી પરિસ્થિતિના પગલે હજારો યાત્રાળુઓ ફસાઇ ગયા છે. બહેરામપુરાના પરિક્ષિતનગરમાં રહેતા તરુણભાઇ કોષ્ટી, પ્રદીપભાઇ કોષ્ટી સહિત ૧૮ લોકો અમરનાથ યાત્રાથી પરત ફરી રહ્યા હતા, પરંતુ હિંસાને કારણે હાલ તેઓ શ્રીનગર પહેલાં એક મેદાનમાં ટેન્ટ બાંધીને રહે છે.

તરુણભાઇના ભાઇ હિતેશભાઇના જણાવ્યા મુજબ ગત રાત્રે ૮-૦૦ વાગ્યે તેઓને વાતચીત થઇ હતી. પરિસ્થિતિ હજુ પણ ખરાબ હોવાથી તેઓને શ્રીનગર સુધી જવા દેવામાં આવતા નથી. તેઓની સાથે આણંદ, વડોદરા, અમદાવાદના સેટેલાઇટ, બાપુનગર વગેરે વિસ્તારના ગુજરાતીઓ ટેન્ટમાં રહે છે. દિવસ દરમિયાન ફૂડ પેકેટ પણ આર્મી અથવા પોલીસ લેવા જઇ શકતી નથી. જેના કારણે માત્ર ફ્રૂટ પર જ ચલાવવું પડે છે. તમામ બસમાં જે પણ નાસ્તો અથવા જમવા બનાવવાનું લઇને આવ્યા છીએ તેના પર હાલ આશરો લઇ રહ્યા છે.

સરકાર તરફથી તેઓનો કોઇ સંપર્ક થયો નથી. હાલમાં આર્મી અને પોલીસ જવાનો સુરક્ષા કવચ આપી રહ્યા છે. જો પરિસ્થિતિ થોડી પણ સારી બને તો તેઓને શ્રીનગર તરફ આવવા દેવામાં આવશે અને તેઓ ગુજરાત પરત ફરી શકે તેમ છે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું. સ્થાનિક લોકો પણ લોકોને લૂંટી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. ત્યાંના સ્થાનિકોને કોઇ પણ પ્રકારની પૂછપરછ કરી મદદ મેળવવી પણ શકય નથી.

You might also like