દલિત રેલીમાં હંગામોઃ ટોળાં સામસામે અાવી જતાં તંગદિલી

અમદાવાદ: અમદાવાદ જિલ્લાના બાવળા નજીક અાવેલા રજોડા ગામે ગઈ કાલે અાંબેડકર જયંતી નિમિતે યોજાયેલી રેલીમાં હંગામો થતાં ભારે તંગ‌િદલી છવાઈ હતી. ટોળાંઓએ અામનેસામને અાવી જઈ મારામારી કરતાં છ વ્યક્તિઓને નાની-મોટી ઈજા થઈ હોવાનું જાણવા મળે છે.

અા અંગેની વિગત એવી છે કે બાવળાને અડીને અાવેલા રજોડા ગામે ગઈ કાલે સવારે અાંબેડકર જયંતી નિમિતે દ‌િલતોની એક નાની રેલી યોજાઈ હતી. અા વખતે કેટલાક તત્ત્વોએ રેલીનો વિરોધ કરતાં મામલો તંગ બન્યો હતો અને જોતજોતામાં જ બંને જૂથના ટોળાઓએ અામનેસામને અાવી જઈ કાંકરીચાળો તેમજ છૂટા હાથની મારામારી કરતાં રેલીમાં નાસભાગ મચી ગઈ હતી.

ઘટનાની જાણ થતાં જ પોલીસ અધિકારીઓએ તાત્કા‌િલક પોલીસ કાફલા સાથે રજોડા ગામે પહોંચી જઈ મામલો વધુ વણશે તે પહેલાં જ બંને કોમના જૂથોને વિખેરી નાખી પરિસ્થિતિ અંકુશમાં લીધી હતી, જોકે દિવસભર રજોડા અને બાવળામાં અા મુદ્દે અફવાઓ ફેલાતી રહી હતી. પોલીસે અાખા રજોડા ગામમાં પોલીસનો કડક જાપ્તો ગોઠવી દઈ સઘન પેટ્રોલિંગ શરૂ કરી દીધી હતી અને બંને જૂથના ટોળા વિરુદ્ધ સામસામા ગુના દાખલ કરી અાગળની તપાસ શરૂ કરી હતી.

You might also like