અમદાવાદમાં ઠંડીનું જોર વધ્યું: ૧૧.૬ ડિગ્રી ઠંડી

અમદાવાદ: કાશ્મીર, દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનું સામ્રાજ્ય ફેલાઇ ગયું છે. સતત ગાઢ ધુમ્મસ, હિમવર્ષાને કારણે જનજીવન પર માઠી અસર પડી છે. ઉ.ભારતની ઠંડીને પગલે ગુજરાતમાં પણ શિયાળાએ જમાવટ કરવા માંડી છે. રાજ્યની આર્થિક રાજધાની અમદાવાદમાં આજે ઠંડીનો પારો ગગડીને ૧૧.૬ ડિગ્રી સેલ્શિયસ જઇ અટક્યો હતો. જે સામાન્ય કરતાં બે ડિગ્રી ઓછું હતું. શહેરીજનો માટે આજની સવાર ફુલગુલાબી ઠંડીનો અહેસાસ કરાવતી રહી હતી. ખાસ કરીને મોર્નિંગ વોકર્સને આજના માહોલે ખુશખુશાલ કરી દીધા હતા.

સવારની શાળા કોલેજમાં જતા વિદ્યાર્થી પણ સ્વેટર સહિતનાં ગરમ વસ્ત્રો પહેરેલા જોવા મળ્યા હતા. આજે અમદાવાદમાં ચાલુ શિયાળાની ઠંડીની સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો. સ્થાનિક હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં ઉત્તર-પૂર્વ દિશા ધરાવતા પવનોથી ઠંડીની તીવ્રતામાં હજુ વધારો થશે. દરમિયાન આજે ગુજરાતનાં પ્રમુખ શહેરની ઠંડી તપાસતાં નલિયામાં ૧૦.૪ ડિગ્રી ઠંડી સાથે રાજ્યનું સૌથી ઠંડુંગાર શહેર બન્યું હતું. જ્યારે ગાંધીનગર ૧૧, વડોદરા ૧ર.૩, અમરેલી ૧ર.૬ અને ઇડરમાં ૧ર.૮ ડિગ્રી સેલ્શિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.
http://sambhaavnews.com/

You might also like