અમદાવાદને માર્ચથી જૂન સુધી રાસ્કામાંથી ટીપુંય પાણી નહીં મળે

અમદાવાદ: આગામી ઉનાળાના ધોમધખતા તાપમાં શેઢી કેનાલમાં રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા હાથ ધરાનારા રિપેરિંગ કામના કારણે રાસ્કામાંથી પાણીનું ટીપુંય નહીં મળવાના કારણે શહેરીજનો તોબા પોકારી ઊઠશે. શેઢી કેનાલને આગામી તા. ૧ માર્ચ, ૨૦૧૮થી રિપરિંગ માટે બંધ કરી દેવાશે અને તા.૧૬ જૂન, ૨૦૧૮થી કેનાલમાંથી મહી નદીનું પાણી પૂર્વવત્ મળતું થશે, જોકે કાળઝાળ ગરમીના આ ચાર મહિનામાં લોકો રાસ્કાના પાણી વિના પરેશાન થશે.

આમ તો શેઢી કેનાલમાં અવારનવાર ભંગાણ પડતાં હોઈ સિંચાઈ વિભાગ દ્વારા તેનું રિપેરિંગ કામ હાથ ધરાતું હોય છે. શેઢી કેનાલના આવા નાના રિપેરિંગ કામથી પણ પાંચથી છ દિવસ સુધી શહેરમાં પાણીની કારમી અછત ઊભી થાય છે. ગયા ઉનાળામાં શેઢી કેનાલના કાચા પાળા માટે સામાન્ય રિપેરિંગ કામ હાથ ધરાયું હતું, પરંતુ આગામી ઉનાળો તો લોકો માટે ભારે આફતરૂપ બનવાનો છે.

રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા પંદરેક દિવસ પહેલાં મ્યુનિસિપલ સત્તાવાળાઓને શેઢી કેનાલના રિપેરિંગ અંગે લેખિતમાં વિધિવત્ જાણ કરાઈ છે. સિંચાઈ વિભાગના પત્રમાં તંત્રને આગામી તા.૧ માર્ચથી તા.૧૫ જૂન સુધી શેઢી કેનાલ તેના પાકા પાળા કરવા માટે બંધ રખાશે તેવો સ્પષ્ટ ઉલ્લેખ કરાતાં સત્તાધીશો મૂંઝવણમાં મુકાયા છે.

ગયા ઉનાળામાં તો કેનાલના પાકા પાળા કરવાના કામમાં બૂમો ઊઠતાં સિંચાઈ વિભાગને પારોઠનાં પગલાં ભરવાં પડ્યાં હતાં, પરંતુ આગામી ઉનાળામાં તો સિંચાઈ વિભાગ ગમે તેમ કરીને શેઢી કેનાલનું રિપેરિંગ કરવા મક્કમ હોઈ ઉનાળાના ચારેય મહિના રાસ્કામાંથી નાગરિકોને ટીપુંય પાણી નહીં મળે.

હાલમાં નાગરિકોને દરરોજ ૧૨૦૦ એમએલડી પાણી પૂરું પડાય છે, જેમાં રાસ્કામાંથી ૨૧૦ એમએલડી પાણી મેળવાય છે એટલે ઉનાળામાં આશરે ૨૦ ટકા પાણીની અછત ઊભી થવાની હોઈ તંત્ર અત્યારથી મૂંઝવણમાં મુકાયું છે. રાસ્કામાંથી પાણી મળતું બંધ થવાથી દક્ષિણ ઝોનના મણિનગર, ઈસનપુર, દાણીલીમડા, બહેરામપુરા, ઈન્દ્રપુરી, ખોખરા, વટવા અને લાંભા વોર્ડ અને પૂર્વ ઝોનના વસ્ત્રાલ, રામોલ-હાથીજણ અને ઓઢવ વોર્ડમાં પાણીનો કકળાટ થશે. દરમિયાન જાણકાર સૂત્રો કહે છે, શેઢી કેનાલમાં કાચા પાળાના બદલે પાકા પાળા કરવાના હોઈ ચાર મહિનાનો રિપેરિંગનો સમયગાળો વધે તેવી પણ શક્યતા છે.

You might also like