પશ્ચિમ ઝોન સિવાય શહેરમાં શુક્ર-શનિ પાણીની તંગી

અમદાવાદ: અમદાવાદીઓને ફરીથી એક વખત પાણીનો કકળાટ સહન કરવો પડશે. શુક્રવારે સાંજે અને શનિવારે સવારે કોર્પોરેશનના પશ્ચિમ ઝોન સિવાય સમગ્ર શહેરમાં પાણીનો પુરવઠો ખોરવાશે. જોકે નવા પશ્ચિમ ઝોનમાં સ્ટેગરિંગથી પાણી અપાતું હોઇ આ ઝોનના નાગરિકોને તેમના વિસ્તારમાં નિયત સમય મુજબ પાણી મળશે. કોર્પોરેશનના ઉત્તર, દ‌િક્ષણ, પૂર્વ અને મધ્ય ઝોનના વોટર ડિસ્ટ્રિબ્યૂશન સ્ટેશનોમાં પાણી પુરવઠો પૂરો પાડતી કોતરપુર વોટર વર્કસની ૧૬૦૦ એમએમ વ્યાસની ઇસ્ટર્ન ટ્રન્ક મેઇનમાં ચકુડિયા મહાદેવ મંદિર તરફ જતા રોડમાં અને આઇટીઆઇ અન્ડરપાસ પાસે લીકેજની સમસ્યા ઉદ્ભવી છે. આ બંને લીકેજને રિપેરિંગ કરવા તેમજ બાપુનગર ચાર રસ્તા પાસે નવી નાંખેલી ૪પ૦ એમએમ વ્યાસની સોનારિયા વોટર ડિસ્ટ્રિબ્યૂશન સ્ટેશન તથા નૂતન મિલ વોટર ડિસ્ટ્રિબ્યૂશન સ્ટેશન માટેની ફીડર લાઇનનું હયાત ૧૬૦૦ એમએમ વ્યાસની લાઇનમાં જોડાણની કામગીરીના કારણે કોતરપુર વોટર વર્કસમાં આજે શટડાઉન કરાશે.

૬૬ કેવી જીંજર સબ સ્ટેશન ખાતે ગુજરાત વીજ કંપની દ્વારા પ્રિ-મોન્સૂન મરામત નિભાવનું કામ કરવાનું હોઇ રાસ્કા વોટર વર્કસ ખાતે વીજ પુરવઠો બંધ રહેશે જેના કારણે સમગ્ર પૂર્વ ઝોન, ઉત્તર ઝોન, મધ્ય ઝોન અને દ‌િક્ષણ ઝોનમાં આવતીકાલે સાંજે પાણીનો પુરવઠો આપી શકાશે નહીં. જ્યારે ર૭મી ફેબ્રુઆરીએ સવારનો પાણીનો પુરવઠો ઉપલબ્ધ જથ્થાના આધારે અપાશે. આ અંગે કોર્પોરેશનના સિટી ઇજનેર જગદીશ પટેલ કહે છે કે, “શનિવારે સવારે તંત્ર વધુને વધુ બોર ચાલુ કરીને શહેરીજનોને માથાદીઠ ૧૦૦થી ૧પ૦ લિટર પાણી પૂરું પાડવાનો શકય તેટલો પ્રયાસ કરશે.”

You might also like