અમદાવાદને પાણી અાપતી રાસ્કા કેનાલ હજુ ૩ મહિના બંધ રહેશે

અમદાવાદ: શહેરીજનોને રાસ્કા કેનાલમાંથી દરરોજ અપાતાં ર૦૦ એમએલડી પાણીનો પુરવઠો બંધ થયા બાદથી તંત્ર દ્વારા અઘોષિત ર૦ ટકા પાણીનો કાપ મૂકી દેવાયો છે. ઠેરઠેર પાણીની બૂમ ઊઠી રહી છે. આગામી મે મહિનામાં પાણીની કટોકટી વધુ તીવ્ર બને તેવાં એંધાણ છે કેમ કે રાસ્કા કેનાલ હજુ ત્રણ મહિના રિપેરિંગ માટે બંધ રહેવાની છે.

ગયા ઉનાળામાં રાસ્કા કેનાલને રિપેરિંગ માટે બંધ કરાઇને શહેરના પૂર્વ ઝોન અને દક્ષિણ ઝોનના વિસ્તારને કોતરપુરમાંથી પાણીનો પુરવઠો અપાયો હતો પરંતુ દશથી પંદર દિવસમાં જ આ વિસ્તારમાંથી પાણીની ઊઠેલી બૂમ અને વિધાનસભાની ડિસેમ્બરની ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપના શાસકો ફફડી ઉઠ્યા હતા અને છેક રાજ્ય સરકાર સુધી ઉગ્ર રજુઆત કરતાં રાસ્કા કેનાલનું રિપેરિંગ કામ અટકાવી દેવાયું હતું.

આ ઉનાળામાં પણ રાસ્કા કેનાલના રિપેરિંગ કામનાં સિચાઇ વિભાગે ઢોલ નગારાં વગાડતા લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. જો કે સત્તાધીશોએ છેક છેલ્લી ઘડી સુધી લોકોને રિપેરિંગ કામ હાથ નહીં ધરાય તેનું આશ્વાસન આપ્યું હતું. જોકે ગાંધીનગરમાં રાજ્ય સરકાર સાથે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં સત્તાવાળાઓ નરમ પડતાં રાસ્કા કેનાલને રિપેરિંગ માટે બંધ કરીને દરરોજ ૧૦૦ એમએલડી વધારાનું પાણી નર્મદા કેનાલમાંથી અને ૧૦૦ એમએલડી પાણી બોરમાંથી મેળવવાનું નક્કી કરાયું હતું. આ પ્રકારે રાસ્કા કેનાલ બંધ કરવાથી પડેલી રોજની ર૦૦ એમએલડી પાણીની ઘટને સરભર કરવાનો દાવો થઇ રહ્યો છે.

રાસ્કા કેનાલનાં રિપેરિંગ માટે સિંચાઇ વિભાગ દ્વારા પ્રારંભમાં રૂ.૧૪૬ કરોડનો અંદાજ તૈયાર કરાયો હતો. આ અંદાજ આધારિત રૂ.૧૦૬ કરોડના વિભિન્ન કામના વર્ક ઓર્ડર વિભિન્ન કોન્ટ્રાક્ટરને અપાઇ રહ્યા છે. આ સમગ્ર રિપેરિંગ કામમાં નવા ૩પ સ્ટ્રકચરનું નિર્માણ કરવાનું છે એટલે આગામી તા.૩૦ જૂનની પહેલા કામગીરી પૂર્ણ થાય તેવી કોઇ શકયતા નથી.

રાજ્ય સરકાર સાથેની ઉચ્ચસ્તરીય બેઠકમાં સિંચાઇ વિભાગ દ્વારા મ્યુનિસિપલ સત્તાવાળાઓને બે મહિનામાં એટલે કે એપ્રિલ અને મે મહિનામાં રિપેરિંગ કામ આટોપી લેવાની ખાતરી અપાઇ હતી જો કે વાસ્તવિકતા સાવ અલગ હોઇ રાસ્કા કેનાલનું રિપેરિંગ કામ વધુ ૧પ-ર૦ દિવસ લંબાઇ જાય તેવી શકયતા છે. નવા ૩૦ બોર ધમધમતા થવા હજુ ર૦થી રપ દિવસ લાગશે.

જો મે મહિનામાં નર્મદા ડેમમાં પાણીનું સ્તર વધુ નીચે જશે તો અમદાવાદીઓને નર્મદા કેનાલમાંથી વધારાનું ૧૦૦ એમએલડી પાણી તો મળતું બંધ થઇ જશે પરંતુ કોતરપુરની નર્મદા કેનાલનું ૬૦૦ એમએલડી, જાસપુરની ધોળકા બ્રાંચની નર્મદા કેનાલનાં ર૬પ એમએલડી પાણીનો પુરવઠો પણ ખોરવાઇ જશે.

અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદાનાં નીર સુકાતાં તંત્રનાં ફ્રેન્ચવેલમાંથી એક ટીપું પાણી પણ મળતું નથી. અગાઉ દરરોજ ૭પ એમએલડી પાણી ફ્રેન્ચવેલમાંથી મળતું હતું.

You might also like