અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રકમાં અાગ લાગતાં અફરાતફરી

અમદાવાદ: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર એક ટ્રકમાં એકાએક ભીષણ અાગ લાગતા ભારે અફરાતફરી મચી ગઈ હતી અને ભયનો માહોલ ઊભો થયો હતો.  પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી એક ટ્રક અમદાવાદ તરફ અાવી રહી હતી ત્યારે સાંજના સુમારે ખંભોળજ નજીક અા ટ્રકમાં અચાનક જ અાગ ફાટી નીકળી હતી. અાગ ફાટી નીકળતાં જ ટ્રકચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતાં ટ્રક રોડ પર જ પલટી ખાઈ ગઈ હતી.

જો કે ડ્રાઈવર ક્લિનર સમયસૂચકતા વાપરી ટ્રકમાંથી નીચે કૂદી પડતાં બંનેનો અાબાદ બચાવ થયો હતો.  ટ્રક સળગતી હાલતમાં જ પલટી ખાઈ જતાં એક્સપ્રેસ હાઈવે પરનો ટ્રાફિક જામ થઈ જતાં અનેક વાહનોની કતારો લાગી ગઈ હતી અને વાહનચાલકો હાલાકીમાં મુકાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં અાણંદ ફાયરબ્રિગેડના જવાનોએ તાત્કાલીક ફાયર ફાયટરો અને વોટરટેન્કર સાથે એક્સપ્રેસ હાઈવે પર પહોંચી જઈ પાણીનો મારો ચલાવી અાગને અંકુશમાં લીધી હતી. અાગમાં ટ્રક લગભગ બળીને ખાક થઈ ગઇ હતી. પ્રાથમિક તપાસમાં ટ્રકમાં અાગ શોર્ટ સર્કિટ થવાના કારણે લાગી હોવાનું જાણવા મળે છે.

You might also like