ફ્લાઈટ રદ થઈ પણ પેસેન્જરોને ત્રણ કલાક સુધી અંધારામાં રાખ્યા

આજે સવારે ૪-૧પ કલાકે અમદાવાદથી દુબઇ જતી અમીરાતની ફલાઇટ ૧૩ કલાક મોડી થતાં મુસાફરોએ એરપોર્ટ પર હોબાળો મચાવ્યો હતો. ટેક‌િનકલ કારણ આગળ ધરીને મુસાફરોને ૩ કલાક સુધી કોઇ સૂચના ન અપાતાં રાહ જોઇ રહેલા મુસાફરોએ છેવટે કંટાળીને અમીરાતના કાઉન્ટર ઉપર હલ્લો મચાવ્યો હતો.

આ અંગે એરપોર્ટ ઓથોરિટી અેમિરેટ્સનાં સૂત્રોએ જણાવ્યું હતું કે ફલાઇટમાં ટેક‌િનકલ ખામી સર્જાઇ છે, જેના કારણે ફલાઇટ ૧૩ કલાક ડીલે થઇ છે. ફલાઇટ ડીલે થવાના કારણે ૧પ૦ મુસાફરો આગળ જવાની કનેક્ટિંગ ફલાઇટ ચૂકી ગયા હતા. મુસાફરોના હોબાળાના કારણે છેવટે તમામ મુસાફરોને હોટલ વ્યવસ્થા આપવાની ઓથોરિટીને ફરજ પડી હતી.
ફલાઇટમાં અંદાજે રપ૦ મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા, જેમાંથી અર્ધાથી વધુ મુસાફરો વાયા દુબઇ કનેક્ટિંગ ફલાઇટ લેવાના હતા.

ઓથોરિટીએ તેમને અન્ય ફલાઇટમાં જવું હોય તો ગોઠવી આપવાનું આશ્વાસન આપ્યું હતું, પરંતુ જેમની કનેક્ટિંગ ફલાઇટ હતી તે તમામ મુસાફરોને દુબઇ પછીની ફલાઇટની ટિકિટ વગેરેની જાણ જે તે ટ્રાવેલને કરવી પડી હતી. રાત્રે ૧ર-૩૦ વાગ્યે એરપોર્ટ પર બોર્ડિંગ કરી ચૂકેલા પ્રવાસીઓ ફલાઇટના નિયત સમય ૪-૧પ કલાકે ઉપડવાની રાહ જોઇને બેસી
રહ્યા હતા ત્યારે શરૂઆતમાં કહેવાયું હતું કે ફલાઇટ કલાકથી વધુ સમય માટે લેટ છે. મુુસાફરો બોર્ડિંગ બાદ ફલાઇટના ટેક ઓફની રાહ જોઇ રહ્યા હતા, પરંતુ પાંચ કલાકથી વધુ સમય પસાર થતાં પેસેન્જરોએ ઓન બોર્ડ સ્ટાફને આ અંગે પૂછપરછ કરી હતી, પરંતુ તેમને યોગ્ય જવાબ નહીં મળતાં પેસેન્જરોએ ધમાલ મચાવી હતી.

એરલાઇન્સ ઓથોરિટી દ્વારા શરૂઆતમાં જવાબ આપવામાં ગલ્લાં તલ્લાં કરાયાં હતાં. અેમિરેટ્સ અંગેની પૂછપરછ કરતાંની સાથે જ ઓન બોર્ડ સ્ટાફે સંભળાતું નથી, લાઇન ટ્રાન્સફર કરું છું જેવાં બહાનાંઓ આગળ ધરીને ફ્લાઇટ મોડી થવા અંગેની સગાંવહાલાંઓની પૂછપરછ તેમજ કઇ હોટલમાં પેસેન્જરોને રાખવામાં આવ્યા છે તે અંગે તેમને જાણ નથી
એવું કહીને જવાબ આપવાનું ટાળ્યું હતું.

You might also like